શહેરના સમા તળાવ પાસે ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારેલીબાગ વિસ્તારના તુલસીવાડીમાં રહેતા ૧૫ વર્ષીય સગીર હિતેન્દ્રકુમાર રાજુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પિતાને કહ્યા વગર બાઇક લઈને નીકળેલા સગીરનું માથું રસ્તા પર પછડાતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
ફોન પર કહ્યું ‘હમણાં આવું છું’ અને પછી એમ્બ્યુલન્સ ચાલકે ફોન ઉપાડ્યો
મૃતક હિતેન્દ્રના મોટા ભાઈ રાહુલભાઈએ પોલીસને આપેલી વિગતો મુજબ, તેમના પિતા ભંગારનો વેપાર કરે છે. ગઈકાલે રાત્રે જમીને હિતેન્દ્ર ઘરેથી કોઈને કહ્યા વગર પિતાની બાઇક લઈને નીકળી ગયો હતો. મધરાતે ૧૨:૩૮ વાગ્યે જ્યારે પરિવારે તેને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે, “હું થોડી વારમાં ઘરે આવું છું.”
પરંતુ દોઢ વાગવા છતાં તે પરત ન આવતા પરિવારે ફરી ૧:૨૯ વાગ્યે ફોન કર્યો હતો. આ વખતે હિતેન્દ્રને બદલે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે, આ ફોનના માલિકનો સમા તળાવ ભારત પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો છે અને તેનું મૃત્યુ નીપજ્યું છે. આ સાંભળતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પુરપાટ ઝડપ અને બેદરકારી બની કાળ
પ્રાપ્ત માહિતી અનુસાર, હિતેન્દ્ર સમા તળાવ સર્કલથી ઊર્મિ બ્રિજ તરફ પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક બાઇક ચલાવી રહ્યો હતો. ભારત પેટ્રોલ પંપ પહેલાં અચાનક બાઇક સ્લીપ થઈ જતાં તે રસ્તા પર પટકાયો હતો. માથાના ભાગે હેલ્મેટ ન હોવાથી ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
ઘટનાની જાણ થતા જ સમા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ૧૫ વર્ષના લાડકવાયા દીકરાના અકાળે અવસાનથી કારેલીબાગના તુલસીવાડી વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.
