વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના અંગ્રેજી અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થી જયદેવ જયંતીભાઈ દોમડીયાએ રાજ્ય કક્ષાએ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત ‘ગુજરાત ડુંગરાળ વિસ્તાર પરિભ્રમણ’ કાર્યક્રમ અંતર્ગત જયદેવની પસંદગી કરવામાં આવી હતી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢ ખાતે યોજાયેલા આ કેમ્પમાં ગુજરાતના ૮ જિલ્લાઓમાંથી માત્ર ૩૦ પ્રતિભાશાળી તાલીમાર્થીઓની પસંદગી થઈ હતી, જેમાં જયદેવે સ્થાન મેળવ્યું હતું.
૧૦ દિવસમાં ૧૪૦ કિમીનું કપરું અંતર કાપ્યું
જયદેવે ૧૦ દિવસ સુધી ચાલેલા આ પરિભ્રમણ કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓએ ગિરનાર પર્વતની ચારેબાજુ પગપાળા ચાલીને અંદાજે ૧૪૦ કિમીનું અંતર કાપ્યું હતું. પહાડી અને ડુંગરાળ રસ્તાઓ પર શિસ્તબદ્ધ રીતે આ સફર ખેડીને જયદેવે શારીરિક ક્ષમતા અને મનોબળનો પરિચય આપ્યો છે.
પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણનો સંદેશ
આ કેમ્પ દરમિયાન માત્ર પર્વતારોહણ જ નહીં, પરંતુ સામાજિક જવાબદારીનું પણ શિક્ષણ આપવામાં આવ્યું હતું. વનવિભાગના અધિકારીઓ દ્વારા તાલીમાર્થીઓને પ્લાસ્ટિકમુક્ત ગુજરાત અભિયાન, વન્યજીવ સંરક્ષણ અને પ્રકૃતિની જાળવણી, પર્યાવરણ બચાવ ઝુંબેશ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયદેવે શિક્ષણની સાથે પ્રકૃતિ પ્રત્યેની પોતાની અભિરુચિ દાખવીને કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલના ‘ગ્રીન એન્ડ ક્લીન’ અભિયાનને આગળ ધપાવ્યું છે.
યુનિવર્સિટી પરિવારમાં આનંદની લહેર
જયદેવની આ સિદ્ધિ બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલ, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર પારુલ પોપટ અને વિભાગના તમામ અધ્યાપકોએ તેને બિરદાવીને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા છે. સાહસિક પ્રવૃત્તિઓમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
