ચાંગા: નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા ‘A+’ ગ્રેડ પ્રાપ્ત અને ગુજરાત સરકાર દ્વારા ‘સેન્ટર ઓફ એક્સલન્સ’ જાહેર કરાયેલી ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) નો 15મો પદવીદાન સમારંભ આગામી 13 જાન્યુઆરી, 2026 ના રોજ મંગળવારે યોજાશે. આ ગરિમામય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે. યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળશે.
શુદ્ધ સોનાના મેડલની અનોખી પરંપરા
ચારૂસેટ યુનિવર્સિટીની સૌથી મોટી વિશેષતા તેના ગોલ્ડ મેડલ છે. રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે જણાવ્યું કે, વર્ષ 2012થી ચારૂસેટમાં તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના અને 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા છે. આ વર્ષે પણ 45 તેજસ્વી વિદ્યાર્થીઓને આવા શુદ્ધ સોનાના મેડલ આપી નવાજવામાં આવશે. અત્યાર સુધીમાં યુનિવર્સિટી કુલ 439 શુદ્ધ સોનાના ચંદ્રકો એનાયત કરી ચૂકી છે.
પદવીદાનના મુખ્ય આંકડાઓ
આ વર્ષે કુલ 2794 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે:
- કુલ વિદ્યાર્થીઓ: 2794 (1076 વિદ્યાર્થિનીઓ અને 1718 વિદ્યાર્થીઓ)
- ગોલ્ડ મેડલ: 45 (28 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ)
- PhD ડિગ્રી: 38 (19 વિદ્યાર્થિનીઓ અને 19 વિદ્યાર્થીઓ)
- વિવિધ વિદ્યાશાખાઓ: એન્જિનિયરિંગના 1120, કોમ્પ્યુટર સાયન્સના 692, મેનેજમેન્ટના 429, ફાર્મસીના 173, મેડિકલ સાયન્સના 183 અને સાયન્સના 197 વિદ્યાર્થીઓ પદવી મેળવશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને પરંપરા
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે જણાવ્યું કે, ચારૂસેટમાં અગાઉ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ, પંકજ પટેલ, એ.એસ. કિરણકુમાર અને ડો. તેજસ પટેલ જેવી દિગ્ગજ હસ્તીઓ પદવીદાન સમારંભમાં આવી ચૂકી છે. આ વર્ષે અમિત શાહના આગમનથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છે. આ પ્રસંગે માતૃસંસ્થાના ડો. એમ. સી. પટેલ, કિરણ પટેલ અને ધારાસભ્ય વિપુલ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહેશે.
