વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટી અને એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU), નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે આજથી બે દિવસીય પશ્ચિમ ઝોન ‘અન્વેષણ’ (ANVESHAN) સ્ટુડન્ટ રિસર્ચ કન્વેન્શનનો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના નવનિર્મિત ઇપકોવાળા હૉલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભારતના પશ્ચિમ ઝોનના ૭ રાજ્યોની ૨૭ વિવિધ યુનિવર્સિટીઓમાંથી ૩૫૦ થી વધુ સંશોધક વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો પોતાના નવતર પ્રોજેક્ટ્સ સાથે સહભાગી થયા છે.
ભારતીય દૃષ્ટિકોણથી સંશોધનની હિમાયત
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી બોલતા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) નિરંજન પટેલએ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓએ હવે માત્ર સંશોધન પૂરતું સીમિત રહેવાને બદલે સંશોધનને ‘ભારતીય દૃષ્ટિકોણ’થી જોવાની જરૂર છે. આપણે વિદેશી મોડેલ્સ પર નિર્ભર રહેવાને બદલે સંશોધન માટેની પદ્ધતિઓ પણ ભારતીય પરિપ્રેક્ષ્યમાં વિકસાવવી પડશે.” તેમણે ઉમેર્યું કે વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક છે.
વિકસિત ભારત માટે સંશોધન અનિવાર્ય
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આણંદના સાંસદ મિતેષ પટેલએ જણાવ્યું હતું કે ‘અન્વેષણ’ જેવું પ્લેટફોર્મ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને નવી દિશા આપશે. અતિથિ વિશેષ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા રિસર્ચ ગ્રાન્ટ (અનુદાન) વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. AIU ના રિસર્ચ ડિવિઝનના ડાયરેક્ટર ડો. અમરેન્દ્ર પાણીએ ભારપૂર્વક કહ્યું કે સમાજના જટિલ પ્રશ્નોના ઉકેલ માટે સમગ્ર રાષ્ટ્રની નજર આ યુવા સંશોધકો પર ટકેલી છે.
રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાને પ્રોત્સાહન
આ બે દિવસીય સંમેલનમાં કૃષિ, વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને હ્યુમેનિટીઝ જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ પોતાના પોસ્ટર અને મોડેલ્સ રજૂ કરશે. વેસ્ટ ઝોન કન્વીનર ડૉ. અરુણ આનંદ અને કો-કન્વીનર ડૉ. મનીષ મિશ્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા શ્રેષ્ઠ સંશોધકોને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવશે. આ કન્વેન્શનથી વિદ્યાર્થીઓમાં સંશોધન પ્રત્યે રુચિ વધવાની સાથે તેમની પ્રતિભાને રાષ્ટ્રીય મંચ પ્રાપ્ત થશે.
