મથુરા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી ૧૯ માર્ચથી મથુરા અને વૃંદાવનના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વૃંદાવનના વાનરો તેમની ચપળતા અને શ્રદ્ધાળુઓના ચશ્મા ઝૂંટવી લેવાની આદત માટે જાણીતા છે. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ અને સુરક્ષામાં કોઈ ખલેલ ન પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગે એક અત્યંત અનોખો કીમિયો અજમાવ્યો છે. રાષ્ટ્રપતિના ચશ્મા અને સામાનને વાનરોથી સુરક્ષિત રાખવા માટે આખા રૂટ પર લંગૂરના સ્ટેચ્યુ (પૂતળા) લગાવવામાં આવ્યા છે.
ગુલેલ અને લેઝર લાઈટ સાથે ૩૦ જવાનોની ફૌજ
તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ વાસ્તવિક્તા છે. આ અંગે મળતી માહિતી અનુસાર વૃંદાવન અને ગોવર્ધનના વાનર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં વન વિભાગના ૩૦ વિશેષ કર્મચારીઓની ટીમ તહેનાત કરવામાં આવી છે. આ ટીમો લંગૂરના કટઆઉટ્સ, ગુલેલ અને લાકડી, તેમજ લેઝર લાઈટ જેવા સાધનોથી સજ્જ હશે.
લંગૂરના કટઆઉટ્સનો ઉપયોગ એટલા માટે કારણ કે, વાનરો લંગૂરથી ડરે છે, તેથી પ્રભાવિત વિસ્તારોમાં લંગૂરના આદમકદ પૂતળા મુકાયા છે. આ સાથે વાનરોને ડરાવીને દૂર રાખવા માટે કર્મચારીઓ ગુલેલનો ઉપયોગ કરશે. જોકે રાત્રિના સમયે અથવા જરૂર જણાય ત્યારે લાલ અને લીલા રંગની લેઝર લાઈટ દ્વારા વાનરોને ભગાડવામાં આવશે.
રાષ્ટ્રપતિનો કાર્યક્રમ
રાષ્ટ્રપતિ ૧૯ માર્ચના રોજ મથુરા પહોંચશે. તેઓ વૃંદાવનના પ્રખ્યાત બાંકે બિહારી મંદિર સહિત અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે. આ ઉપરાંત, તેઓ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ ચેરિટેબલ હોસ્પિટલના નવા કેન્સર બ્લોકનું લોકાર્પણ પણ કરશે. ૨૧ માર્ચના રોજ તેઓ ગોલ્ફ કાર્ટ દ્વારા ૨૧ કિલોમીટર લાંબી ગોવર્ધન પર્વતની પરિક્રમા પણ કરવાના છે.
કેમ લંગૂરના પૂતળા?
અગાઉ VIP મુલાકાતો વખતે જીવંત લંગૂર અને તેમના ટ્રેનર્સને તહેનાત કરવામાં આવતા હતા. પરંતુ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટના કડક નિયમોને કારણે હવે જીવંત લંગૂરનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેથી, વહીવટી તંત્રએ વાનરોની મનોવિજ્ઞાનનો ઉપયોગ કરીને લંગૂરના પૂતળા અને કટઆઉટ્સનો સહારો લીધો છે. વૃંદાવનના વાનરો પલક ઝપકાવતા ચશ્મા લઈ જાય છે અને પછી ‘ફ્રૂટી’ કે ખાવાની વસ્તુની લાંચ આપ્યા પછી જ તે પરત આપે છે. રાષ્ટ્રપતિની ગરિમા અને સુરક્ષા જળવાય તે માટે તંત્ર અત્યારે કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી.
