ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન બુધવારે એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિધાનસભા પરિસરને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સમગ્ર વિધાનસભા ભવનને ખાલી કરાવવામાં આવ્યું હતું. મંત્રીઓ, ધારાસભ્યો અને સચિવાલયના કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સઘન સર્ચ ઓપરેશન અને તપાસ
ધમકી મળતા જ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સહિતની એજન્સીઓએ વિધાનસભાના ખૂણેખૂણાની તપાસ કરી હતી. કલાકો સુધી ચાલેલી આ સઘન તપાસના અંતે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નહોતા, જેના પરિણામે સુરક્ષા એજન્સીઓએ આ ધમકીને ‘હોક્સ’ (ખોટી) જાહેર કરી હતી અને પરિસરને ક્લીન ચીટ આપી સુરક્ષિત જાહેર કર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
આ ગંભીર ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક તાકીદની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. વિધાનસભા જેવી હાઈ-પ્રોફાઈલ જગ્યાએ સુરક્ષામાં ચૂક ન રહી જાય અને આવા ઈમેઈલ કરનાર તત્વો સુધી કઈ રીતે પહોંચવું તે અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
વિપક્ષના આકરા પ્રહાર, ચૈતર વસાવાએ સરકારને ઘેરી
આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વિપક્ષી નેતા ચૈતર વસાવાએ સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દરરોજ શાળાઓ, કોલેજો અને કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળે છે અને હવે તો રાજ્યની વિધાનસભા પણ સુરક્ષિત નથી. સરકાર માત્ર મોટી વાતો કરવાને બદલે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી આવા અસામાજિક તત્વોને પકડે અને કડક સજા કરે તેવી અમારી માંગ છે.”
ચૂંટણીઓ અને બજેટ સત્રના માહોલ વચ્ચે વિધાનસભાને મળેલી આ ધમકીએ સુરક્ષા એજન્સીઓ માટે મોટો પડકાર ઉભો કર્યો છે. સાયબર ક્રાઈમની ટીમ હવે આ ઈમેઈલના ઓરિજિન (મૂળ) સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.
