મુંબઈ: વર્ષ ૨૦૨૬માં સિનેમાપ્રેમીઓને મોટા પડદા પર એક નહીં પરંતુ બે-બે રામાયણ આધારિત ફિલ્મો જોવા મળવાની છે. એક તરફ રણબીર કપૂર અને સાઈ પલ્લવી અભિનીત નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણમ્’ને લઈને ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ ‘મહાકાાવ્ય શ્રી રામાયણ કથા – શ્રી રામ કી’ નામની નવી ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં જ મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર ‘કચ્ચા બાદામ’ ડાન્સ ટ્રેન્ડથી વાયરલ થયેલી ઈન્ફ્લુએન્સર અંજલિ અરોરાને માતા સીતાના રોલમાં જોઈને નેટિઝન્સ અને પ્રેક્ષકો આકરા પાણીએ થયા છે.
ટીઝરમાં શું દર્શાવાયું છે?
દિગ્દર્શક અભિષેક સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અંજલિ અરોરા માતા સીતાની ભૂમિકામાં છે, જ્યારે દેવ શર્મા ભગવાન શ્રી રામનો રોલ ભજવી રહ્યા છે.
- કથાનો પ્લોટ: ટીઝરની શરૂઆત શ્રી રામ અને માતા સીતાના સ્વયંવરથી થાય છે, ત્યારબાદ વનવાસ, વિરહ અને સીતા હરણ સુધીના પ્રસંગોની ઝલક બતાવવામાં આવી છે.
- દાયલોગ અને ચોપાઈ: “રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ” જેવા જાણીતા સંવાદો અને ચોપાઈઓથી ફિલ્મમાં પૌરાણિક રંગ પૂરવાનો પ્રયાસ કરાયો છે.
- રિલીઝ તારીખ: આ ફિલ્મ હિન્દી ઉપરાંત છત્તીસગઢી ભાષામાં ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
કાસ્ટિંગ અને મેકર્સની મોટી ભૂલ પર ટ્રોલિંગનો મારો
ટીઝર સામે આવ્યા બાદ ફિલ્મની વાર્તા કરતાં અંજલિ અરોરાના કાસ્ટિંગ પર સોશિયલ મીડિયા પર મોટો બવાળ મચ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે એક ગ્લેમરસ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને માતા સીતા જેવા પવિત્ર અને પૂજનીય પાત્ર માટે કેમ પસંદ કરવામાં આવી?
આ ઉપરાંત, નેટિઝન્સે મેકર્સની એક મોટી તકનીકી ભૂલ પણ પકડી પાડી છે:
શ્રી કૃષ્ણ મંત્રનો વિવાદ: ટીઝરના બેકગ્રાઉન્ડમાં ‘કૃષ્ણાય વાસુદેવાય હરયે…’ મંત્ર વાગતો સંભળાય છે. લોકો તીખો કટાક્ષ કરી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ત્રેતાયુગમાં રામાયણના સમયગાળા પછી દ્વાપરયુગમાં થયો હતો, તો પછી રામાયણના ટીઝરમાં કૃષ્ણ મંત્રનો ઉપયોગ કેવી રીતે થઈ શકે?
રણબીર કપૂરની ‘રામાયણમ્’ સાથે સરખામણી
આ વિવાદ વચ્ચે રણબીર કપૂરની ‘રામાયણમ્’ ફિલ્મની પણ ભારે ચર્ચા થઈ રહી છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ મેગા બજેટ ફિલ્મ ભારતભરમાં ૮ નવેમ્બર ૨૦૨૬ (દિવાળી) પર રિલીઝ થશે, જ્યારે વિદેશી થિયેટરોમાં તે બે દિવસ વહેલી એટલે કે ૬ નવેમ્બરે જ રજૂ કરી દેવામાં આવશે. સોશિયલ મીડિયા યુઝર્સ અંજલિ અરોરાની ફિલ્મની ટીખળ કરતા લખી રહ્યા છે કે, “જેમને રણબીર કપૂરની રામાયણથી વાંધો હતો, તેઓ હવે આ ટીઝર જોઈ લે!”
