અમદાવાદ: રાજ્યમાં ઉનાળો હવે તેના પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી ગુજરાતના નાગરિકોને ગરમીથી કોઈ રાહત મળવાની શક્યતા નથી. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકરી ગરમીનો અનુભવ થશે અને તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની ભીતિ છે.
કચ્છ અને સુરેન્દ્રનગરમાં ‘ઓરેન્જ એલર્ટ’
હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર, ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું જોર સૌથી વધુ રહેશે. આ બંને જિલ્લાઓ માટે આગામી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં ગરમ પવનો (લૂ) ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવા વિનંતી કરાઈ છે.
અમદાવાદ સહિતના શહેરોમાં ‘યલો એલર્ટ’
અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સુરત જેવા શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ વધશે. હવામાન વિભાગે 11 થી 14 મે દરમિયાન નીચે મુજબના જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ આપ્યું છે:
- ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર.
- મધ્ય ગુજરાત: અમદાવાદ, આણંદ, વડોદરા.
- સૌરાષ્ટ્ર-કચ્છ: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને કચ્છ.
- દક્ષિણ ગુજરાત: સુરત.
ગરમીથી બચવા શું કરવું?
હવામાન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા જણાવાયું છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે ટોપી કે છત્રીનો ઉપયોગ કરવો હિતાવહ છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોએ આ અગનવર્ષામાં વિશેષ કાળજી લેવી જરૂરી છે.
