વેરાવળ (સોમનાથ): “સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે.” આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જેઓ આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી એટલે કે ‘સોમનાથ અમૃત પર્વ-2026’માં સહભાગી થયા હતા. સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે સોમનાથને ભારતની સ્વતંત્ર ચેતનાનું પ્રતિક ગણાવ્યું હતું.
સરદાર પટેલના સંકલ્પથી આધુનિક ભારત સુધી
વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, 1947માં દેશ આઝાદ થયો પરંતુ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની આત્મગૌરવની પુનઃસ્થાપના હતી. સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર રજવાડાઓને જ એક નહોતા કર્યા, પણ સોમનાથનું પુનઃનિર્માણ કરાવીને વિશ્વને બતાવ્યું હતું કે ભારત પોતાના પ્રાચીન ગૌરવને પુનઃ પ્રાપ્ત કરવા સજ્જ છે. તેમણે ઉમેર્યું કે, સોમનાથ પર જેટલી વાર આક્રમણ થયું, તેટલી વાર તે વધુ દિવ્યતાથી ઊભું થયું છે, કારણ કે શિવ શાશ્વત છે.
શક્તિની આરાધના: પોખરણ અને શિવશક્તિ પોઈન્ટ
વડાપ્રધાનએ 11 મેના મહત્વને યાદ કરતા જણાવ્યું કે, આજના દિવસે 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ (ઓપરેશન શક્તિ) દ્વારા ભારતે દુનિયાને પોતાનું સામર્થ્ય બતાવ્યું હતું. તેમણે ચંદ્રયાન મિશનના ‘શિવશક્તિ પોઈન્ટ’નો ઉલ્લેખ કરી શિવ અને શક્તિની આરાધનાને ભારતની પરંપરા ગણાવી હતી.
મહત્વપૂર્ણ જાહેરાતો અને વિમોચન
આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાનના હસ્તે:
સ્મારક સિક્કો: ₹75ના મૂલ્યના ખાસ સ્મારક સિક્કાનું અનાવરણ.
ટપાલ ટિકિટ: સોમનાથ વિરાસતને સમર્પિત ખાસ ટપાલ ટિકિટનું વિમોચન.
કુંભાભિષેક: 90 મીટર ઊંચા શિખર પર મહાપૂજા બાદ શાસ્ત્રોક્ત વિધિથી કુંભાભિષેક કર્યો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સોમનાથ મંદિર વિધ્વંસમાંથી પુનઃ નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતિક છે. તેમણે ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર હેઠળ થઈ રહેલા તીર્થધામોના વિકાસને બિરદાવ્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
