ગાંધીનગર: દર વર્ષે ૧૧ મેના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે કરેલા સફળ ન્યુક્લિયર પરીક્ષણો (ઓપરેશન શક્તિ) અને સ્વદેશી એરક્રાફ્ટ ‘હંસ-૩’ની પ્રથમ ઉડાનની યાદમાં ઉજવાય છે. ગુજરાત આજે આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
ગુજરાત: દેશની AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર
ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે AI ક્ષેત્રે નેતૃત્વ લેવા માટે ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (IAIRO) ની સ્થાપના કરી છે. રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાત હવે માત્ર મેન્યુફેક્ચરિંગ જ નહીં પણ ‘AI ઇકોસિસ્ટમ’ તરીકે ઉભરી રહ્યું છે.
GFTI ઇનિશિએટિવ: તમામ વિભાગોમાં AI નો ઉપયોગ વધારવા “ગુજરાત ફ્યુચર ટેકનોલોજી ઇનિશિએટિવ્સ” શરૂ કરાયું છે.
સેન્ટર ઓફ એક્સલન્સ: NASSCOM અને Microsoft ના સહયોગથી સ્થાપિત આ કેન્દ્ર દ્વારા પ્રથમ વર્ષમાં જ ૧૪૦૦ ઉદ્યોગો અને ૧૦૦ સ્ટાર્ટઅપ્સને જોડવામાં આવ્યા છે.
GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર
AI પ્રોસેસિંગ માટે અત્યંત જરૂરી એવી GPU (Graphics Processing Unit) ઇકોસિસ્ટમમાં ગુજરાતે મોટી સફળતા મેળવી છે. હાલમાં રાજ્યમાં ૧૬ GPU સેન્ટર્સ કાર્યરત છે અને આગામી સમયમાં ૧૦૦થી વધુ GPU સ્થાપિત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. “GPU-as-a-Service” પ્લેટફોર્મ દ્વારા સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને હાઈ-સ્પીડ કમ્પ્યુટિંગની સુવિધા મળી રહી છે.
રોજિંદા વહીવટમાં AI નો ઉપયોગ
રાજ્યના ૧૪થી વધુ વિભાગોમાં ૪૦થી વધુ AI યુઝ કેસ પર કામ ચાલી રહ્યું છે:
- કૃષિ: પાકના રોગનું નિદાન અને સ્માર્ટ સિંચાઈ.
- આરોગ્ય: કેન્સર સ્ક્રિનિંગ અને ક્રોનિક રોગોનું વહેલું નિદાન.
- નાગરિક સેવાઓ: ડોક્યુમેન્ટ એક્સટ્રેક્ટર, ભાષા સેતુ (ગુજરાતી વ્યાકરણ સહાયક), અને AI આધારિત ચેટબોટ્સ.
- ઊર્જા: વીજ ચોરી રોકવા અને વપરાશના વિશ્લેષણ માટે ટેકનોલોજીનો ઉપયોગ.
આ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા ગુજરાત સરકારી સેવાઓને વધુ પારદર્શક, ઝડપી અને નાગરિક કેન્દ્રિત બનાવી રહ્યું છે.
