ગુજરાત પોલીસ (પશ્ચિમ કચ્છ પોલીસ) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ચેતવણી મુજબ, રાજ્યમાં “Meesho – Maha Loot Gifts” ના નામનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડીનો એક નવો પ્રયાસ સામે આવ્યો છે. વોટ્સએપ પર એક ખોટી લિંક મોકલવામાં આવી રહી છે, જે સામાન્ય નાગરિકોને મોટી લૂંટ ગિફ્ટના નામે આકર્ષીને વ્યક્તિગત અને બેંક વિગતો ચોરવાનું કાવતરું છે.
કેવી રીતે થાય છે આ છેતરપિંડી?
આ છેતરપિંડીમાં તસ્કરો વોટ્સએપ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે. યુઝર્સને એક મેસેજ સાથે લિંક મોકલવામાં આવે છે, જેમાં દાવો કરવામાં આવે છે કે Meesho તરફથી તમને મોટી ‘લૂંટ ગિફ્ટ’ અથવા ખાસ ઈનામ મળ્યું છે. યુઝર્સને ફ્રી ગિફ્ટ કે મોટી ડિસ્કાઉન્ટની લાલચ આપીને લિંક પર ક્લિક કરવા માટે પ્રેરવામાં આવે છે. ગુજરાત પોલીસની સ્પષ્ટ ચેતવણી છે કે આવી લિંક્સ તમારા બેંક ડિટેઇલ્સ અને વ્યક્તિગત માહિતી (Personal Information) ચોરવા માટે બનાવવામાં આવે છે. આ એક પ્રકારની ફિશિંગ (Phishing) લિંક હોય છે. ભૂલથી પણ આવી શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું અને તેમાં કોઈ પણ માહિતી, જેમ કે નામ, સરનામું, આધાર નંબર કે બેંક વિગતો દાખલ ન કરવી.
તમારે શું કરવું જોઈએ?
સાયબર છેતરપિંડીથી બચવા માટે ગુજરાત પોલીસ તરફથી સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ‘Meesho – Maha Loot Gifts’ કે અન્ય કોઈ પણ કંપનીના નામે આવતી અજાણી અને શંકાસ્પદ લિંક્સ પર ક્યારેય ક્લિક ન કરો. આવી લિંક્સ દ્વારા માંગવામાં આવેલી કોઈપણ વ્યક્તિગત કે નાણાકીય માહિતી (જેમ કે OTP, CVV, બેંક પાસવર્ડ) ક્યારેય શેર ન કરો. Meeshoની સત્તાવાર અને એક માત્ર વેબસાઇટ https://www.meesho.com છે. કોઈપણ ખરીદી કે ઓફરની ખરાઈ ફક્ત સત્તાવાર વેબસાઇટ પરથી જ કરવી. તમારા મિત્રો અને પરિવારને પણ આ પ્રકારની છેતરપિંડીઓ વિશે સાવધાન કરો.
જો તમે આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બન્યા હોવ અથવા તમને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
