મુંબઈ: બોલિવૂડની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રી નુશરત ભરુચા સાથે ઈન્ડોનેશિયાના બાલી ખાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વર્ક અને હોલિડે ટ્રિપ માટે બાલી ગયેલી નુશરતને અકસ્માતમાં કરોડરજ્જુ (Spine) માં ગંભીર ફ્રેક્ચર થયું છે. હાલમાં તેને બાલીની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને ડૉક્ટરોની કડક દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે. અભિનેત્રીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક એર એમ્બ્યુલન્સ મારફતે બાલીથી મુંબઈ લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જ્યાં તેની સ્પાઈન સર્જરી હાથ ધરવામાં આવશે.
અભિનેત્રીના પબ્લિસિસ્ટ દ્વારા શુક્રવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. નિવેદનમાં જણાવાયું છે કે, “નુશરત ભરુચા બાલી ખાતે વર્ક-કમ-હોલિડે ટ્રિપ પર હતી ત્યારે આ કમનસીબ અકસ્માતનો ભોગ બની હતી, જેમાં તેને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થયું છે. હાલ તેને બાલીની હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. ડૉક્ટરો દ્વારા વધુ મૂલ્યાંકન કર્યા બાદ નુશરતની સ્પાઈન સર્જરી કરવાનો નિર્ણય લેવાયો છે. અમારી પ્રાથમિકતા તેની યોગ્ય સારવાર અને સ્વાસ્થ્ય છે, તેથી તેને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.”
તબીબોના જણાવ્યા મુજબ, કરોડરજ્જુની ગંભીર ઈજા અને ત્યારબાદ થનારી સર્જરીને કારણે નુશરતને લાંબા સમય સુધી બેડ રેસ્ટ અને સંપૂર્ણ રિકવરીની જરૂર પડશે. પરિણામે આગામી કેટલાક અઠવાડિયા માટેના તેના કામના તમામ વચનો અને શૂટિંગ શિડ્યુલ પ્રભાવિત થશે. પબ્લિસિસ્ટ દ્વારા અભિનેત્રીની પ્રાઈવસી જાળવી રાખવા અને તેની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરવા ચાહકો અને મીડિયાને વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નુશરત ભરુચાએ વર્ષ ૨૦૦૬માં ‘જય સંતોષી મા’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જોકે, તેને વાસ્તવિક ઓળખ અને લોકપ્રિયતા ‘લવ સેક્સ ઔર ધોખા’ (૨૦૧૦) અને ‘પ્યાર કા પંચનામા’ (૨૦૧૧) જેવી સુપરહિત ફિલ્મોથી મળી હતી. આ પછી તેણે ‘પ્યાર કા પંચનામા ૨’, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’, ‘ડ્રીમ ગર્લ’, ‘છલાંગ’, ‘છોરી’, ‘રામ સેતુ’ અને ‘અકેલી’ જેવી સફળ ફિલ્મોમાં પોતાના બહેતરીન અભિનયનો જાદુ ચલાવ્યો છે. તે ટૂંક સમયમાં ટાઇગર શ્રોફ સાથે ડાયરેક્ટર રેમો ડીસોઝાની આગામી એક્શન ફિલ્મમાં જોવા મળવાની છે. અભિનેત્રીના અકસ્માતના સમાચાર મળતાં જ બોલિવૂડ અને તેના ચાહકોમાં ચિંતાની લહેર ફરી વળી છે અને સૌ કોઈ તેની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
