વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના ફતેપુરા વિસ્તારમાં હૃદય કંપાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પત્નીએ આવેશમાં આવી જઈને પોતાના જ પતિની ત્રિકમના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. ખારી તલાવડી પાસે રહેતા આ દેવીપૂજક પરિવારમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જમવાનો ઇન્કાર અને ઉગ્ર ઝઘડો
મળતી માહિતી મુજબ, મૃતક અમિત દેવીપૂજક અને તેની પત્ની મંજુબેન વચ્ચે આજે બપોરે જમવા જેવી સામાન્ય બાબતે વિવાદ થયો હતો. પતિ અમિતે જમવાની ના પાડતા પત્ની સાથે બોલાચાલી થઈ હતી. ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે આવેશમાં આવી ગયેલા પતિએ પત્ની મંજુબેનના માથામાં ફટકો માર્યો હતો. આ હુમલાથી રોષે ભરાયેલી મંજુબેને આક્રોશની તમામ સીમાઓ ઓળંગી દીધી હતી.
ત્રિકમના 3 ઘા અને હૈયાફાટ રુદન
રોષે ભરાયેલી પત્નીએ ઘરમાં પડેલી ત્રિકમ ઉઠાવી પતિ અમિત પર હુમલો કર્યો હતો. મંજુબેને પતિના ગળા, છાતી અને પેટના ભાગે ત્રિકમના ત્રણ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓને કારણે અમિતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જોકે, પતિને લોહીલુહાણ હાલતમાં જોઈ પત્ની ભાનમાં આવી હતી અને પોતાની ભૂલ સમજાતા ત્યાં જ હૈયાફાટ રુદન કરવા લાગી હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
ઘટનાની જાણ થતા જ કુંભારવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં પત્ની મંજુબેને જણાવ્યું હતું કે તે ઘરકંકાસથી કંટાળી ગઈ હતી અને આવેશમાં આ કૃત્ય થઈ ગયું છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જે. પાંડવે આરોપી પત્ની મંજુબેન દેવીપૂજકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને માતા જેલના સળિયા પાછળ ધકેલાઈ છે, જેના કારણે નિર્દોષ બાળકો નોંધારા બન્યા છે.
