વડોદરા: પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધ અને અશાંતિના વાતાવરણની સીધી અસર સંસ્કારી નગરી વડોદરાના રસોડા સુધી પહોંચી હોય તેમ જણાય છે. ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધને કારણે ભવિષ્યમાં ગેસ અને પેટ્રોલની અછત સર્જાશે તેવી ભીતિને પગલે વડોદરામાં બીજા દિવસે પણ ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. પેનિક બુકિંગના માહોલ વચ્ચે લોકો સવારના 8:00 વાગ્યાથી જ એજન્સીઓ પર ઉમટી પડ્યા છે.
કાળઝાળ ગરમીમાં લોકોની કસોટી
વડોદરામાં તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે કાળઝાળ ગરમીમાં ગ્રાહકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાની નોબત આવી છે. જેમાં આજે એજન્સીની લાઈનમાં ઊભેલી એક મહિલા ગરમીને કારણે અચાનક જમીન પર પટકાયા હતા. આસપાસના લોકોએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરી તેમને ભાનમાં લાવ્યા હતા. એટલું જ નહીં કલાકોની રાહ જોયા બાદ લોકોની ધીરજ ખૂટી રહી છે, જેના કારણે લાઈનોમાં ગ્રાહકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાના દ્રશ્યો પણ સર્જાયા હતા. નાગરિકોનું કહેવું છે કે પહેલા એક કોલ કરવાથી ઘરે સિલિન્ડર આવી જતો હતો, પરંતુ હવે ઓનલાઈન બુકિંગમાં ટેકનિકલ ખામી આવતા એજન્સીની ઓફિસ સુધી ધક્કા ખાવા પડે છે.
કામ-ધંધા છોડી લાઈનમાં ઊભા રહેવાની મજબૂરી
શહેરના અનેક વિસ્તારોમાં 500 થી વધુ લોકોની કતારો જોવા મળી રહી છે. લોકો પોતાનો નોકરી-ધંધો અને દૈનિક કામકાજ છોડીને ગેસ બુક કરાવવા માટે મજબૂર બન્યા છે. નાગરિકોના આક્ષેપ મુજબ, ઘરે ગેસ બોટલ નોંધાવ્યા હોવા છતાં સમયસર મળતા નથી, જેથી ડરના માર્યા તેઓ રૂબરૂ એજન્સીએ પહોંચી રહ્યા છે.
તંત્રની અપીલ અને વાસ્તવિકતા
જોકે, વડોદરા કલેક્ટર અને પુરવઠા વિભાગે અગાઉ જ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, તેમ છતાં વૈશ્વિક યુદ્ધની અસરોની વાતોને કારણે ગ્રાહકોમાં ગભરાટ ઓછો થતો નથી. તંત્ર દ્વારા લોકોને પેનિક બુકિંગ ન કરવા અને માત્ર જરૂરિયાત મુજબ જ સિલિન્ડર નોંધાવવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.
