અમદાવાદ: રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. આ કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિમાં રસ્તા પર નીકળતા વાહનચાલકોને લૂ (Heatstroke) થી બચાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ટ્રાફિક પોલીસ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હીટ એક્શન પ્લાન અંતર્ગત લેવાયો નિર્ણય
શહેરમાં વધતા તાપમાનને જોતા કોર્પોરેશને ‘હીટ એક્શન પ્લાન’ સક્રિય કર્યો છે. આ પ્લાન અંતર્ગત શહેરના સૌથી વધુ વ્યસ્ત એવા 70 મુખ્ય ટ્રાફિક સિગ્નલો બપોરે 12:00 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ એ છે કે વાહનચાલકોએ બપોરના આકરા તડકામાં સિગ્નલ પર ઊભા રહીને ગરમીનો સામનો ન કરવો પડે અને તેઓ ઝડપથી ગંતવ્ય સ્થાને પહોંચી શકે.
કયા વિસ્તારોમાં સિગ્નલ બંધ રહેશે?
તંત્ર દ્વારા જાહેર કરાયેલ યાદી મુજબ શહેરના પશ્ચિમ અને પૂર્વ બંને વિસ્તારોના મુખ્ય જંક્શનોનો આમાં સમાવેશ થાય છે. જેમાં પ્રભાત ચોક, ઉમિયા હોલ, સિલ્વર સ્ટાર, વિજય ચાર રસ્તા, સ્ટેડિયમ સર્કલ, ઈન્કમ ટેક્સ, કાલુપુર સર્કલ અને નવરંગપુરા જેવા ભીડભાડવાળા વિસ્તારો સામેલ છે. ટ્રાફિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સિગ્નલ બંધ હોવા છતાં ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે તે માટે પોઈન્ટ પર જવાનો તૈનાત રહેશે.

ગૃહ વિભાગ અને ઓઈલ કંપનીઓની એડવાઈઝરી
એક તરફ ગરમી વધી રહી છે, બીજી તરફ વૈશ્વિક સ્તરે ઈંધણના પુરવઠામાં અવરોધની સ્થિતિને જોતા ઓઈલ કંપનીઓએ પણ સાવચેતીના પગલાં લીધા છે. ગેસ અને ઈંધણનો પુરવઠો ખોરવાય નહીં તે માટે ઘરેલું ગ્રાહકો અને હોસ્પિટલોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. નાગરિકોને બિનજરૂરી પેનિક બુકિંગ ન કરવા અને ગરમીમાં સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.
