વડોદરા: વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને આજે એક મહત્વની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કમિશનરે સફાઈ કામગીરી પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે, શહેરમાં હવે ‘વન ડે વન રોડ’ ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 100 દિવસમાં 100 મુખ્ય રસ્તાઓની સંપૂર્ણ સફાઈ કરવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહીં હવે જાહેરમાં ગંદકી કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ મ્યુનિ. કમિશનરે સૂચના આપી છે.
સફાઈની સાથે રસ્તાના ડિવાઈડરમાં રહેલા પ્લાન્ટ્સનું ક્લિનિંગ, પેવર બ્લોક રિપેરીંગ અને ગેરકાયદે પાર્કિંગ કે દબાણો હટાવવાની કામગીરી પણ સાથે જ કરવામાં આવશે. હાલમાં આ ઝુંબેશની શરૂઆત સાઉથ ઝોન (દક્ષિણ ઝોન) થી કરવામાં આવી છે. હાલ આ કામગીરીમાં સફાઈ પર ફોક્સ છે, જોકે આગામી સમયમાં ટ્રાફિક સહિતની તમામ બાબતોને આવરી લેવાશે.
તળાવો અને વિશ્વામિત્રીની સફાઈમાં NGO જોડાશે
શહેરના જળસ્ત્રોતોને શુદ્ધ કરવા માટે પાલિકા હવે લોકભાગીદારી વધારશે. કમિશનરે જણાવ્યું કે, વડોદરાના તળાવો અને વિશ્વામિત્રી નદીની સફાઈ માટે સ્થાનિક એનજીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓને સાથે રાખવામાં આવશે. આ અભિગમથી શહેરની સફાઈમાં જનતાનો પણ સીધો સહયોગ મળશે. વિશ્વામિત્રી નદીની સફાઈ માટે પણ આજ પ્રકારે કામગીરી કરાશે.
₹112 કરોડની વેરા વસૂલાતનો ઐતિહાસિક ટાર્ગેટ
માર્ચ મહિનો નજીક હોવાથી વેરા વિભાગને કડક સૂચના આપવામાં આવી છે. મ્યુનિ. કમિશનરે માહિતી આપી કે, અત્યાર સુધી 60 હજારથી વધુ બાકી વેરાની નોટિસો ફટકારવામાં આવી છે. હજારોની સંખ્યામાં મિલકતો સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. માર્ચ સુધીમાં ₹112 કરોડનો બાકી વેરો ઉઘરાવવાની ઐતિહાસિક ઝુંબેશ હાથ ધરાઈ છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે, પાલિકાના વિભાગો દ્વારા જે પણ કામગીરીના લોકાર્પણ કે ખાતમૂહુર્ત કરવામાં આવ્યા છે જેમાં યોગ્ય અને ગુણવત્તા યુક્ત કામગીરી થાય તે માટેની સુચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં ઈજારદાર, કોન્ટ્રાક્ટર સહિતના તમામ સાથે રિવ્યુ બેઠક યોજાશે. હવે ગ્રિવેન્સીસમાં પણ અમે ફિડબેક લેવાનું શરૂ કરીશું.
ક્વોલિટી ચેક અને બ્લુ બોન્ડ પર ફોકસ
પાલિકા દ્વારા જે પણ નવા કામોના લોકાર્પણ કે ખાતમુહૂર્ત થયા છે, તેમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા સૂચના અપાઈ છે. હવેથી પાલિકા ફરિયાદો (Grievances) માં નાગરિકોના ફિડબેક લેવાનું પણ શરૂ કરશે. ઉપરાંત, દેવું મેનેજ કરવા માટેની પોલિસી અને આગામી સમયમાં લોન્ચ થનારા ‘બ્લુ બોન્ડ’ પર પણ તંત્ર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.
હોળી પર્વ અને ફૂડ સેફ્ટી
આગામી હોળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગને સતર્ક રહેવા અને ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરવા જણાવાયું છે. કમિશનરે વધુમાં ઉમેર્યું કે ફેબ્રુઆરી માસમાં ગંદા પાણીની (Water Contamination) 47 ફરિયાદો મળી હતી. ખાસ કરીને આજે રોડ વિભાગ, ડ્રેનેજ અને પાણી વિભાગનું રિવ્યુ કરવામાં આવ્યું છે. આ તમામ વિભાગને જે કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે તે વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું છે. ઝોનલ એન્જિનિયર્સને સૂચના આપવામાં આવી છે કે ગટર સહિતના જે પણ ઢાંકણા છે તેનું લેવલ રોડ લેવના રાખવામાં આવે. તેમજ પેચવર્કની કામગીરીમાં પણ આ બાબતનું ધ્યાન રાખવામાં આવે.
