વડોદરા મહાનગરપાલિકા (VMC)ની આગામી સામાન્ય ચૂંટણીઓને લઈને એક મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્ય ચૂંટણી આયોગે વડોદરા મનપાની કુલ ૭૬ બેઠકો માટે અનામત બેઠકોની રોટેશન (વારાફરતી) ફાળવણી અંગેનો આદેશ જાહેર કર્યો છે.
આયોગે શહેરના ચૂંટણી અધિકારી અને કલેક્ટરને તાત્કાલિક ધોરણે આ આદેશની બહોળી પ્રસિદ્ધિ કરવા માટે સૂચના આપી છે. આદેશની ૧૦-૧૦ પ્રતો ૨૮ ઓક્ટોબરના રોજ કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ પર, જાહેર સ્થળોએ અને મનપાના જાહેર સ્થળોએ મૂકવા માટે જણાવાયું છે, જેનાથી કયા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે તેની સત્તાવાર માહિતી જાહેર થઈ ગઈ છે.
વડોદરા મનપામાં બેઠકોની વિગતવાર ફાળવણી:
વડોદરા મનપામાં કુલ ૧૯ વોર્ડ અને ૭૬ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલી અનામત બેઠકોની ફાળવણી નીચે મુજબ છે:
- કુલ અનામત બેઠકો: ૫૪ બેઠકો
- કુલ સામાન્ય બેઠકો (અનામત નહીં): ૨૨ બેઠકો
| અનામત વર્ગ | કુલ બેઠકો | મહિલાઓ માટે અનામત |
| અનુસૂચિત જાતિ (SC) | ૫ બેઠકો | ૨ બેઠકો |
| અનુસૂચિત આદિજાતિ (ST) | ૩ બેઠકો | ૧ બેઠક |
| પછાત વર્ગ (BC – ૨૭%) | ૨૧ બેઠકો | ૧૦ બેઠકો |
અનુસૂચિત જાતિ (SC) માટે ફાળવાયેલા વોર્ડ:
અનુસૂચિત જાતિ માટે કુલ ૮ બેઠકો વોર્ડ નંબર ૧, ૩, ૮, ૧૨, ૧૩, ૧૭ અને ૧૮ માં ફાળવવામાં આવી છે.
આ આદેશની પ્રસિદ્ધિ બાદ તેનો અહેવાલ તાત્કાલિક ધોરણે ચૂંટણી આયોગને મોકલી આપવા પણ વિનંતી કરવામાં આવી છે. બેઠકોની સત્તાવાર જાહેરાત થતાં જ હવે વડોદરા મનપાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બનશે.
