છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાંટ ખાતે એમ.એસ. હોસ્પિટલની સામે યોજાયેલી આમ આદમી પાર્ટી (AAP)ની ‘ગુજરાત જોડો જનસભા’માં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ સભામાં દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજ આગેવાનો AAPમાં જોડાયા હતા, જેમાં ભાજપના રનિંગ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા, પૂર્વ સરપંચો, અને કોંગ્રેસમાંથી પૂર્વ તાલુકા પંચાયત સભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોનો સમાવેશ થાય છે.
ચૈતર વસાવાનો ભાજપ પર આક્રોશ:
સભાને સંબોધતા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને રોડ-રસ્તા જેવા તમામ મુદ્દાઓ પર સરકાર સામે વારંવાર અવાજ ઉઠાવવાના કારણે ભાજપ સરકારને તેમની વાત પસંદ નથી. તેમણે કહ્યું કે, “ભાજપના ૩૦ વર્ષના શાસનની સામે કોઈ તેને ચેલેન્જ કરે તે તેને પસંદ નથી અને એટલા જ કારણે એ લોકોએ મારા પર ખોટા કેસો કર્યા અને મને જેલમાં મોકલ્યો.”
કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો:
ચૈતર વસાવાએ ભ્રષ્ટાચાર મામલે સીધા ભાજપના નેતાઓને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી વિસ્તારના વિકાસ માટે આવતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ભાજપના નેતાઓ, મળતીયાઓ, NGOના લોકો અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેમના પ્રભારી મંત્રીઓની સાથે મળીને બારોબાર ખાઈ જાય છે.
તેમણે મનરેગા યોજનામાં થયેલા કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, જો ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચાલતા મનરેગાના કામ કઈ એજન્સીઓને આપવામાં આવ્યા છે, તેની તપાસ કરવામાં આવે તો તમામ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને સાંસદોના નામ સામે આવશે.
તમામ વર્ગો આંદોલન કરવા મજબૂર:
વસાવાએ જણાવ્યું કે, ભાજપના ૩૦ વર્ષના શાસન બાદ પણ ગુજરાતના ખેડૂતો, યુવાનો, કર્મચારીઓ, આશાવર્કરો, આંગણવાડી વર્કરો સહિત તમામ વર્ગના લોકો આંદોલન કરવા પર મજબૂર બન્યા છે, જે દર્શાવે છે કે રાજ્યમાં ફક્ત ભ્રષ્ટાચારને વેગ મળ્યો છે.
આ જનસભામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓનું AAPમાં જોડાવું એ આદિવાસી પટ્ટીમાં AAPના વધતા પ્રભાવ તરફ ઈશારો કરે છે.
