ગુજરાતમાં મતદાર યાદી સુધારણા માટે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી SIR (Systematic Improvement of Records) ની કામગીરી પર હવે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આયોજિત SIRની બેઠક બાદ AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ આ સમગ્ર પ્રક્રિયા પર પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે.
ચૈતર વસાવાનો મોટો ખુલાસો:
ધારાસભ્ય ચૈતર વસાવાએ સીધો આક્ષેપ કર્યો છે કે, “SIR મુદ્દે ચૂંટણી પંચ જરા પણ ગંભીર નથી,” અને તેથી SIRની કામગીરી એક ચિંતાનો વિષય છે.
તેમણે જણાવ્યું કે, SIRની પદ્ધતિ કેન્દ્રના આદેશથી ચૂંટણી પંચ લાવ્યું છે, પરંતુ તેમની પાસે કોઈ નક્કર જવાબ કે તંત્ર નથી. વસાવાએ મુખ્ય સવાલો ઉઠાવ્યા:
- બોગસ વોટિંગ: બોગસ વોટિંગને કઈ રીતે પકડવામાં આવશે તેની કોઈ સિસ્ટમ કે વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે નથી.
- ડુપ્લિકેટ મતદારો: ગુજરાતમાં અને ગુજરાત બહાર બંને જગ્યાએ વોટિંગ કરનારા લોકોને કઈ રીતે ઓળખવામાં આવશે, તેની કોઈ વ્યવસ્થા નથી.
- BLOsની અછત: ૫,૦૮,૩૯,૦૦૦ મતદાતાઓના ફોર્મ ભરવા માટે પૂરતી સંખ્યામાં BLO (બૂથ લેવલ ઑફિસર) હાજર નથી.
- આદિવાસીઓની હાલાકી: મજૂરી માટે બહારગામ ગયેલા આદિવાસી વિસ્તારના લોકો ફોર્મ કેવી રીતે ભરશે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
વસાવાએ ચેતવણી આપી કે, SIRની કામગીરીના કારણે શિક્ષકો, તલાટીઓ અને ગ્રામ સેવકો હેરાન થશે, અને તેમાં પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનું પાણી થશે. તેમણે માંગ કરી કે અગાઉની રૂટીન પ્રક્રિયા જ ચાલુ રાખવી જોઈએ અને SIRના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ન થવી જોઈએ. તેમણે અંકલેશ્વરમાં ડુપ્લિકેટ મતદાતાઓના પુરાવા પર કાર્યવાહી ન કરવા બદલ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યો હતો.
ગોપાલ ઇટાલિયાની જનતાને અપીલ:
AAPના નેતા ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતાને મોટી અપીલ કરતાં જણાવ્યું કે, “વોટ ચોરી કરનારાઓએ આખો પ્રોગ્રામ શરૂ કર્યો છે,” માટે ગુજરાતની જનતાએ સજાગ રહેવું જરૂરી છે. તેમણે ખાતરી આપી કે, આમ આદમી પાર્ટી સકારાત્મક રીતે સહયોગ આપશે અને વોટ રક્ષક ટીમ ઊભી કરીને એક એક કાર્યકર્તાઓને જવાબદારી સોંપશે. AAP કાળજી રાખશે કે કોઈ પણ મતદાતાનું નામ કપાઈ ન જાય અને ખોટા લોકોના નામ મતદાર યાદીમાં જોડાઈ ન જાય.
