વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઇ તાલુકામાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે બ્લેકમેઇલિંગના કારણે કાયાવરોહણ ગામના ખેડૂત અતુલભાઇ હિરાભાઈ પટેલની આત્મહત્યાના ગંભીર કેસમાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સીમ કાર્ડ સપ્લાય કરતા નેટવર્કના બે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે.
વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પોલીસે મૃતકના ફોનની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક મહત્ત્વની કડીઓ મળી આવી હતી, જેના આધારે સાબિત થયું કે **’ડિજિટલ અરેસ્ટ’**ના પગલે મૃતકે આત્મહત્યા કરી હતી.
આરોપીઓનું કનેક્શન કમ્બોડિયા સુધી, બેંગ્લોરમાં મળ્યો બીજો ભોગ બનનાર
પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે નંબર પરથી મૃતક અતુલભાઇનો સંપર્ક કરવામાં આવતો હતો, તે નંબર કમ્બોડિયામાં એક્ટીવ છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના ફ્રોડ તરફ ઇશારો કરે છે. આ સિવાય તપાસ કરતાં બીજો એક નંબર મળ્યો જે બેંગ્લોરમાં એક્ટીવ હતો. બેંગ્લોરમાં તપાસ કરતાં પોલીસને આ ‘ડિજિટલ અરેસ્ટ’ ગેંગનો બીજો એક ભોગ બનનાર (Victim) મળી આવ્યો, જેમની સાથે રૂ. ૫૦ લાખનું ડિજિટલ ફ્રોડ કરવામાં આવ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે આ ક્રાઇમમાં વપરાયેલા સીમ કાર્ડના નેટવર્કને તોડવાની કામગીરી હાથ ધરી હતી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ઝડપાયેલા આરોપીઓ અને ૫૩૮ સીમ કાર્ડનો મોટો જથ્થો
પોલીસે નિકુંજ પાનસેરીયા અને હેનિલ પાનસેરીયા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓ આ ડિજિટલ ફ્રોડ ગેંગને સીમ કાર્ડ સપ્લાય કરતા હતા.
આરોપી નિકુંજ પાનસેરીયા અને હેનિલ પાનસેરીયા દ્વારા કુલ ૫૩૮ સીમ કાર્ડ માટે અન્ય આરોપીઓ સાથે વાતચીત થઈ હતી. આમાંથી ૪૩૮ સીમ કાર્ડ ઝડપાયેલા આરોપીઓ દ્વારા ફ્રોડ ગેંગને ડિલીવર કરવામાં આવ્યા હતા. જે સીમ કાર્ડમાંથી મૃતક અતુલભાઇને ‘ATS અધિકારી’ તરીકેની ખોટી ઓળખ આપીને બ્લેકમેઇલ કરવામાં આવ્યું હતું, તે આ સપ્લાય કરાયેલા કાર્ડ્સ પૈકીનું જ એક હતું. હાલમાં રાજ્ય સ્તરની પોલીસ ટીમ પણ વડોદરા ગ્રામ્ય પોલીસને આ કેસમાં મદદ કરી રહી છે અને પોલીસે અન્ય આરોપીઓ તથા આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ હાથ ધરી છે.
શું હતી મૂળ ઘટના?
ઉલ્લેખનીય છે કે, ડભોઇના કાયાવરોહણ ગામે ૬૫ વર્ષીય ખેડૂત અતુલભાઇ હિરાભાઇ પટેલને તા. ૧૬ નવેમ્બરના રોજ અજાણ્યા આરોપીએ મોબાઇલ પર વારંવાર વોટ્સએપ કોલ, વીડિયો કોલ અને મેસેજ કરીને હેરાન કર્યા હતા. આરોપીએ ‘ATS અધિકારી’ તરીકે ખોટી ઓળખ આપીને તેમને “રૂપિયા ૪૦ કરોડના ફ્રોડ” અંગેની ધમકીઓ આપી, બ્લેકમેઇલ કર્યા હતા. આ માનસિક ત્રાસના કારણે અતુલભાઇએ તા. ૧૭ નવેમ્બરની વહેલી સવારે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. પોલીસે આઇ.ટી. એક્ટની કલમો અને દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
