સુરત શહેરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. શિરડીના સાઈબાબાના દર્શન કરીને પરત ફરી રહેલા સુરતના સાત યુવાનોને મહારાષ્ટ્રના નાસિક નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો છે, જેમાં ત્રણ યુવાનોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ચાર યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને કારણે સુરત શહેરમાં અને મૃતક યુવાનોના પરિવારજનો તથા મિત્રવર્તુળમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરતના કુલ સાત યુવાનો ફોર્ચ્યુનર કાર માં શિરડી સાંઈબાબાના દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી સુરત પરત ફરી રહ્યા હતા. નાસિક નજીક, શિરડીથી સુરત પરત આવતી વેળાએ ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવતાં કારે પલટી મારી દીધી હતી અને આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર પલટી જતાં અંદર બેઠેલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મૃતક યુવાનો સ્કૂલ બસના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા:
આ ગમખ્વાર અકસ્માતમાં જે ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો છે, તેઓ સુરતમાં સ્કૂલ બસના કોન્ટ્રાક્ટ સાથે સંકળાયેલા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. યુવાનોના મૃત્યુના સમાચાર મળતા જ તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા અન્ય ચાર યુવાનોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતની નોંધ લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના યુવાનોના આ અકાળે અવસાનથી શહેરના વ્યવસાયિક અને સામાજિક વર્તુળોમાં ગમગીની છવાઈ ગઈ છે.
