ચેન્નાઈ: તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પ્રતિષ્ઠિત સીફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં રવિવારે અચાનક ઝેરી એમોનિયા ગેસનું ગળતર (Ammonia Gas Leak) થતાં અફરાતફરી મચી ગઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ અને ગૂંગળામણને કારણે આ કરુણ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતી ૭ માસુમ મહિલા કર્મચારીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ સિવાય અન્ય ૬૫ થી વધુ કર્મચારીઓ ઝેરી ગેસની અસરમાં આવી જતાં ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ યુનિટમાં મચી અફરાતફરી
અહેવાલો મુજબ, આ ગંભીર ગેસ લીકની ઘટના તિરુવલ્લુર સ્થિત ‘સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ’ (Saint Peters Paul Seafoods Exports) યુનિટમાં ઘટી હતી. રવિવારે સામાન્ય દિવસની જેમ ફેક્ટરીમાં પેકિંગ અને પ્રોસેસિંગનું કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક એમોનિયા ગેસના પાઇપલાઇનમાંથી તીવ્ર લીકેજ શરૂ થયું હતું. ગેસ હવામાં ફેલાતા જ સમગ્ર ફેક્ટરીમાં હાહાકાર મચી ગયો હતો અને કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડ્યા હતા. જોકે, ગણતરીની મિનિટોમાં જ અનેક લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા.

રેસ્ક્યુ ઓપરેશન: NDRF ની CBRN એક્સપર્ટ ટીમ મેદાનમાં
ઘટનાની ગંભીરતા જોતાં તમિલનાડુ રાજ્ય પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું:
- ૩૦ સભ્યોની વિશેષ ટુકડી: અરક્કોનમ સ્થિત એનડીઆરએફ (NDRF) ની ચોથી બટાલિયનના મુખ્યાલયમાંથી ૩૦ જાંબાઝ સભ્યોની વિશેષ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
- આધુનિક સાધનોથી સજ્જ: એનડીઆરએફની આ ટીમે આધુનિક ગેસ ડિટેક્શન ડિવાઇસ (ગેસ ઓળખવાના સાધનો) તેમજ રાસાયણિક, જૈવિક, રેડિયોલોજિકલ અને પરમાણુ (CBRN) આપત્તિઓનો સામનો કરવા માટેના ખાસ પ્રોટેક્ટિવ ગીયર્સ અને વિશેષ ઉપકરણો સાથે ફેક્ટરીમાં પ્રવેશીને લીકેજને કાબૂમાં લીધું હતું.

ગંભીર દર્દીઓને ચેન્નાઈ રેફર કરાયા; ભોગ બનનાર તમામ યુવતીઓ
જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર, તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવા માટે વેલ્સ હોસ્પિટલ (Vels Hospital) અને વેંકટેશ્વરા હોસ્પિટલ (Venkateswara Hospital) માં ભરતી કરવામાં આવ્યા છે. જેમાંથી ૯ દર્દીઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વેરન્ટીલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. વધુ સારા અને ઇમરજન્સી ઇલાજ માટે ગંભીર દર્દીઓને ચેન્નાઈની સરકારી સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલ (Stanley Medical College Hospital) ખાતે રેફર કરવામાં આવ્યા છે.
ચિંતાજનક બાબત એ છે કે ગેસની ઝપેટમાં આવેલી મોટાભાગની મહિલા કર્મચારીઓ માત્ર ૨૪ થી ૨૫ વર્ષની નાની વયની યુવતીઓ છે. તબીબોના જણાવ્યા મુજબ, ઝેરી ગેસના કારણે હાલમાં ઘણા દર્દીઓનું બ્લડ પ્રેશર (BP) ઘણું લો થઈ ગયું છે, પરંતુ તેમની ઉંમર ઓછી હોવાથી અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવાથી તેઓ ઝડપથી રિકવર થઈ જશે તેવી આશા સેવાઈ રહી છે. ફેક્ટરીમાં સુરક્ષાના માપદંડોની ખામી અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
