અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે રાહતના સમાચાર છે. ૨૧ જૂનથી સત્તાવાર રીતે વર્ષા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની પ્રગતિને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૨૩ જૂનથી ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધશે અને આગામી ૪૮ કલાકમાં તે સક્રિય (Active) મોડમાં આવી જવાની પ્રબળ શક્યતા છે. ૨૫ જૂન સુધીમાં ચોમાસું મુંબઈ અને મહારાષ્ટ્રને ધમરોળીને દક્ષિણ ગુજરાતના વધુ ભાગોમાં પ્રવેશી જશે.
મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરનું સંકટ
આગાહી મુજબ, ૨૬ જૂનથી ૨૮ જૂન દરમિયાન મુંબઈ અને મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં ૫૦ મીમીથી ૧૦૦ મીમી જેટલો ભારે વરસાદ થઈ શકે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ૨૯ જૂનથી ૫ જુલાઈ દરમિયાન પ્રચંડ સિસ્ટમ સક્રિય થવાના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર (Flood) જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે?
અંબાલાલ પટેલે ગુજરાતના અલગ-અલગ ઝોન માટે વાવણીથી લઈને અતિભારે વરસાદની વિસ્તૃત વિગતો આપી છે:
મધ્ય ગુજરાત (અમદાવાદ-ગાંધીનગર-વડોદરા): ૨૯ જૂનથી ૫ જુલાઈ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ લાવશે. જ્યારે વડોદરા અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર: ભરૂચ, નવસારી, સુરત સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ૩ થી ૪ ઈંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે.
ઉત્તર ગુજરાત અને પંચમહાલ: પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં અંદાજે ૩ થી ૪ ઈંચ જેટલો ધાકધૂમ વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે.
MJO વેવ લાવશે આફત અને નક્ષત્ર બદલાતા જ નદી-નાળા છલકાશે
જુલાઈ મહિનાની શરૂઆત આફતજનક બની શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જુલાઈની શરૂઆતમાં એટમોસ્ફેરિક વેવ એટલે કે MJO (Madden-Julian Oscillation) ભારત પર આવી પહોંચશે. જેના લીધે જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ દેશ અને રાજ્યના કેટલાક ભાગો જળબંબોળ થઈ જશે. ૬ થી ૭ જુલાઈ દરમિયાન ‘આદ્રા નક્ષત્ર’ ની અસર હેઠળ નાના ખાડા-ખાબોચિયા અને તળાવો ભરાઈ જશે. ત્યારબાદ ૭ જુલાઈ પછી ‘પુનર્વસુ નક્ષત્ર’ ની શરૂઆત થતાં જ રાજ્યની નાની-મોટી નદીઓ અને નાળા છલકાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. એકંદરે ૧૭ જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ઉત્તમ વરસાદ નોંધાશે.
પ્રકૃતિના પરંપરાગત સંકેતો શું કહે છે?
વૈજ્ઞાનિક ડેટાની સાથે અંબાલાલ પટેલે પ્રકૃતિના અનોખા દેશી સંકેતો પણ રજૂ કર્યા છે:
૧. લીમડો: લીમડા પર લીંબોળીઓ આવી ગઈ છે અને તે નીચે ખરવા માંડી છે. હજુ તે અડધી પાકી-કાચી છે, જે દર્શાવે છે કે ચોમાસું હવે ઉંબરે આવીને ઊભું છે.
૨. ખીજડો: હાલમાં ખીજડાનું વૃક્ષ ફાલેલું-ફૂલેલું છે. વાતાવરણમાં હજુ ભેજ ઓછો છે, પરંતુ જેવા ખીજડાના પાન ખરી પડશે કે તરત જ હવામાં ભેજનું પ્રમાણ વધી જશે અને વરસાદ તૂટી પડશે.
૩. વડ: વડની વડવાઈઓ ફૂટીને એક વેંત કે સવા વેંત જેટલી લાંબી થશે, ત્યારે મજબૂત અને મુશળધાર વરસાદના સંકેતો સાચા સાબિત થશે.
