વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેનના શૌચાલયમાંથી ત્યજી દેવાયેલી નવજાત બાળકીના મામલે રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. ગત ૮ ડિસેમ્બરના રોજ વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી વડોદરા-વલસાડ પેસેન્જર ટ્રેનના એક શૌચાલયમાંથી આ નવજાત બાળકી મળી આવી હતી, જેણે માનવતાને શર્મસાર કરી દીધી હતી.
આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને વલસાડ રેલવે પોલીસ અને વડોદરા રેલવે એલસીબી (Local Crime Branch) પોલીસ દ્વારા સંયુક્ત રીતે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓ ઝડપાયા
પોલીસ ટીમે આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ફૂટેજ અને હ્યુમન ટેકનિકલ સોર્સ નો ઉપયોગ કરીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ સઘન તપાસના આધારે પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે.
રેલવે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેવા બદલ બાળકીની સગીર માતા, દાદા અને બાળકીની બે માસી સહીત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ, તમામ ૪ આરોપીઓની ધરપકડ મહારાષ્ટ્રના બોઈસર ખાતેથી કરવામાં આવી છે. આ આરોપીઓએ કયા કારણોસર આ નવજાત બાળકીને ટ્રેનના શૌચાલયમાં ત્યજી દીધી, તે અંગે રેલવે પોલીસે વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવજાત બાળકીની હત્યાના ઇરાદે તેને ત્યજી દેવાના આ ગંભીર કૃત્યમાં પરિવારના જ સભ્યોની સંડોવણી સામે આવતા સમાજમાં આક્રોશ ફેલાયો છે.
