અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મંત્રી, જમ્મુ કાશ્મીરના સહ-પ્રભારી અને રાજસ્થાનના ધારાસભ્ય દિવ્યા મદેરણા હાલ સુરતની મુલાકાતે છે. આજે સુરતમાં આયોજિત એક પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નેશનલ હેરાલ્ડ કેસથી લઈને ગ્રામીણ રોજગારીની યોજના ‘મનરેગા’ ના નામ બદલવા સુધીના મુદ્દે સરકારની કડક ટીકા કરી હતી.
મનરેગામાંથી ગાંધીજીનું નામ હટાવવા મુદ્દે ભારે રોષ
પ્રેસ કોન્ફરન્સમાં દિવ્યા મદેરણાએ સૌથી વધુ ભાર મનરેગા (MGNREGA) યોજના પર આપ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, “કેન્દ્ર સરકાર મનરેગામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવીને તેને ‘વિકસિત ભારત’ નામ આપવાની તૈયારી કરી રહી છે. આ દેશ માટે એક કાળો અધ્યાય છે. ભાજપ સરકાર મહાત્મા ગાંધીના વિચારોને ખતમ કરવા માંગે છે.”
“રામ રાજ્ય નહીં, પણ નામ રાજ્ય છે”
દિવ્યા મદેરણાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ભાજપનું શાસન એ ‘રામ રાજ્ય’ નથી પરંતુ માત્ર ‘નામ રાજ્ય’ છે, કારણ કે તેઓ માત્ર જૂની અને લોકપ્રિય યોજનાઓના નામ બદલવામાં જ રચ્યાપચ્યા રહે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “સરકારની નવી નીતિઓ મજૂરોને સશક્ત બનાવવાને બદલે તેમને લાચાર બનાવવા માટે લાવવામાં આવી રહી છે. ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજનાઓ પર પ્રહાર કરીને સરકાર પોતાની સંકુચિત માનસિકતા દર્શાવી રહી છે.”
નેશનલ હેરાલ્ડ અને વિપક્ષને દબાવવાનો પ્રયાસ
નેશનલ હેરાલ્ડ મામલે પણ તેમણે કોંગ્રેસનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિપક્ષી નેતાઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. સુરત કોંગ્રેસના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં તેમણે આગામી સમયમાં ભાજપની ‘નામ બદલવાની રાજનીતિ’ સામે આંદોલનાત્મક તેવર દાખવવાની પણ સંકેત આપ્યા હતા.
