સોમનાથ: ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે સોમનાથમાં એક અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગિરનાર તીર્થક્ષેત્રના નામી-અનામી સાધુ-સંતોએ એકત્ર થઈને સોમનાથના શંખચોકથી ભગવાન મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
ડમરૂના નાદ અને ઢોલના તાલે ભક્તિની હેલી
આ પદયાત્રાની વિશેષતા એ હતી કે સાધુ-સંતોએ ભગવાન શિવના પ્રિય વાદ્ય એવા ડમરૂ વગાડીને સમગ્ર વાતાવરણને શિવમય બનાવી દીધું હતું. ૭૫ જેટલા ઢોલ વાદકો ધરાવતા ‘સિદ્ધિવિનાયક ઢોલ ગ્રુપ’ના તાલબદ્ધ નાદ અને મહારાણી શંખનાદથી સોમનાથની ગલીઓ ગુંજી ઉઠી હતી. યાત્રા માર્ગ પર ઠેર-ઠેર પુષ્પવર્ષા કરીને સંતોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિ
આ આધ્યાત્મિક પદયાત્રામાં રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાન બારડ અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ગિરનાર ક્ષેત્રના પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ અને હરીહરાનંદ બાપુ જેવા સંતોની આગેવાનીમાં આ યાત્રા સંપન્ન થઈ હતી.
સોમનાથ મહાદેવના ચરણે શિશ નમાવ્યું
પદયાત્રા બાદ તમામ સાધુ-સંતો અને મહાનુભાવોએ સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં જઈ આસ્થાભેર પૂજન-અર્ચન કર્યા હતા. પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને મોહન કુંડારીયા સહિતના મહાનુભાવોએ પણ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાનના આગમન પૂર્વે યોજાયેલી આ પદયાત્રાએ ‘સ્વાભિમાન પર્વ’માં નવી ઊર્જા ફૂંકી છે.
