પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીના એક એવા ‘પદ્મ પુરસ્કારો’ની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે જાહેર થયેલી યાદીમાં ગુજરાતના ત્રણ મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે પસંદગીમાં ખાસ બાબત એ રહી છે કે જે લોકો જમીન સાથે જોડાયેલા છે અને વર્ષોથી શાંતિપૂર્વક સમાજસેવા કે કલાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન આપી રહ્યા છે, તેમની દરકાર લેવામાં આવી છે.
1. નિલેશ મંડલેવાલા: ભારતના ‘ઓર્ગન મેન’ (સામાજિક કાર્ય)
સુરતના નિલેશ મંડલેવાલાને સામાજિક કાર્ય ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. તેઓ ‘ઓર્ગેન મેન ઓફ ઇન્ડિયા’ તરીકે ખ્યાતિ પામ્યા છે. સુરતમાં ‘ડોનેટ લાઇફ’ નામની સંસ્થા દ્વારા તેઓ અંગદાનની જાગૃતિનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓ લગભગ 1300 થી વધુ અંગદાનના કેસ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યા છે, જેના કારણે હજારો લોકોને નવજીવન મળ્યું છે.
2. ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા: માણભટ્ટ કલાના રખેવાળ (કલા)
વડોદરા અને ગુજરાતની પ્રાચીન એવી ‘માણભટ્ટ’ કલા જે લુપ્ત થવાને આરે હતી, તેને જીવંત રાખવાનું શ્રેય ધાર્મિકલાલ પંડ્યાને જાય છે. આ લુપ્ત થતી પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવા અને તેને સ્ટેજ પર ગરિમા અપાવવા માટે તેમના અતુલ્ય યોગદાન બદલ તેમને કલા ક્ષેત્રે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
3. મીર હાજી કાસમ (હાજી રમકડું): સંગીત અને સેવાનો સંગમ (કલા)
કલા ક્ષેત્રના અન્ય એક વિજેતા મીર હાજી કાસમ છે, જેઓ ‘હાજી રમકડું’ તરીકે લોકપ્રિય છે. છેલ્લા ત્રણ દશકથી તેઓ ઢોલક પર પોતાની અદ્ભુત પકડ ધરાવે છે. ભજન, સંતવાણી અને ગઝલના 1000 થી વધુ કાર્યક્રમો કરી ચૂકેલા હાજી કાસમ માત્ર કલાકાર જ નથી, પરંતુ તેઓ ગૌસેવા માટે પણ સતત કાર્યરત રહે છે. તેમના કાર્યક્રમોની આવક ગાયોના નિભાવ માટે ખર્ચવામાં આવે છે.
આ ત્રણેય મહાનુભાવોની પસંદગી દર્શાવે છે કે ભારત સરકાર હવે ‘People’s Padma’ ના વિચારને સાર્થક કરી રહી છે, જ્યાં પ્રસિદ્ધિથી દૂર રહીને કામ કરનારા સાચા હકદારોને સન્માન મળે છે.
