સાન ફ્રાન્સિસ્કો (અમેરિકા) : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના એક અઠવાડિયાના અમેરિકા અને કેનેડાના ઉચ્ચસ્તરીય પ્રવાસનો મંગલ પ્રારંભ સાન ફ્રાન્સિસ્કો ખાતે સ્થાયી થયેલા ગુજરાતી ડાયસ્પોરા (NRI) સાથેના ઉષ્માભર્યા સંવાદ સાથે કર્યો છે. આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-૨૦૨૭’ માટે અમેરિકા અને કેનેડાના ઉદ્યોગપતિઓને રોકાણ અર્થે આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી રાજ્યના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિ મંડળ સાથે વિદેશ પ્રવાસે પહોંચ્યા છે. પ્રથમ દિવસે તેમણે સિલિકોન વેલીના અગ્રણી ગુજરાતીઓ અને ટેકનોક્રેટ્સ સાથે ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.
સેમિકન્ડક્ટર અને AI ક્ષેત્રે ગુજરાત બનશે ગ્લોબલ હબ
સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાયને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિલિકોન વેલીમાં સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ડેટા સેન્ટર અને ઈનોવેશન ક્ષેત્રે ગુજરાતીઓના પ્રદાનને બિરદાવ્યું હતું. તેમણે મહત્વકાંક્ષી રોડમેપ રજૂ કરતાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’ નેતૃત્વ લેશે. ગુજરાત આજે સેમિકન્ડક્ટર, AI અને બાયોટેકનોલોજી જેવા ન્યુ એજ સેક્ટર્સમાં ગ્લોબલ હબ બની રહ્યું છે. અમેરિકામાં વસતી વૈશ્વિક પ્રતિભાઓ અને ગુજરાતના સ્થાનિક ઉદ્યોગો વચ્ચે એક મજબૂત સેતુ બનાવીને નોલેજ શેરિંગ તથા ટેકનોલોજી સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાશે.”
વાયબ્રન્ટ ગુજરાત ૨૦૨૭ માટે ખાસ આમંત્રણ
મુખ્યમંત્રીએ સાન ફ્રાન્સિસ્કો અને સિલિકોન વેલીના વેપાર-ઉદ્યોગ અગ્રણીઓને વાયબ્રન્ટ ગુજરાત ૨૦૨૭ માં સહભાગી થવા અને પોતાના વતન ગુજરાતમાં નવીન ઉદ્યોગો તેમજ ટેકનોલોજી ક્ષેત્રે રોકાણ કરવા ભાવભીનું આહ્વાન કર્યું હતું. બેઠક દરમિયાન ઉપસ્થિત NRI સમુદાયે મુખ્યમંત્રી સાથે પ્રશ્નોત્તરી કરી હતી અને રાજ્યમાં થઈ રહેલા સર્વાંગી માળખાકીય તથા ટેકનોલોજીકલ વિકાસ પ્રત્યે ભારે ઉત્સુકતા દર્શાવી હતી.
સંસ્કૃતિ અને મૂલ્યો જાળવવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું
વતનથી હજારો કિલોમીટર દૂર વસતા હોવા છતાં ગુજરાતી ભાષા, તહેવારો અને સંસ્કારોને જીવંત રાખવા બદલ મુખ્યમંત્રીશ્રીએ સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી પરિવારોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે વિદેશમાં વસતા ગુજરાતીઓની મહેનત અને સમર્પણ જ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત ડેલીગેશનમાં જોડાયેલા વરિષ્ઠ સચિવો અને પ્રતિનિધિઓ સહિત સાન ફ્રાન્સિસ્કોના વિશાળ સંખ્યામાં અગ્રણી વેપારીઓ અને ગુજરાતીઓ હાજર રહ્યા હતા.
