વડોદરા: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે વડોદરા ખાતે આયોજિત ભવ્ય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો એજન્ડા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, “હવે ભાજપના શાસનનો અંત નજીક છે. ૨૦૨૭માં ભાજપ જશે અને સાચા અર્થમાં ગુજરાતની જનતાની સત્તા આવશે.” તેમણે આ લડાઈને ગુજરાતીઓના આત્મસન્માનની લડાઈ ગણાવી હતી.
ભ્રષ્ટાચાર અને ‘ઈલુ-ઈલુ’ રાજનીતિ પર પ્રહાર
કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની મિલીભગત પર નિશાન સાધતા કહ્યું કે, “ભાજપ અને કોંગ્રેસ મળીને સરકારી કોન્ટ્રાક્ટ લે છે અને ગુજરાતને લૂંટી રહ્યા છે. છેલ્લા ૩૦ વર્ષમાં ભાજપે ગુજરાતને લૂંટીને ખોખલું કરી દીધું છે.” વડોદરામાં ભાજપના જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને લખેલા પત્રનો ઉલ્લેખ કરતા તેમણે કટાક્ષ કર્યો કે, “જો સરકારમાં ધારાસભ્યોનું જ અધિકારીઓ નથી સાંભળતા, તો સામાન્ય જનતાની હાલત શું હશે?”
આપ નેતાઓના તેજસ્વી તેવર
ઇસુદાન ગઢવી: આપ પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને શપથ લેવડાવ્યા હતા કે, “હવે ભાજપને ગુજરાત બરબાદ કરવા દઈશું નહીં.” તેમણે વડોદરાના ખરાબ રસ્તા, ખાડા અને ભ્રષ્ટાચાર મુદ્દે સ્થાનિક નેતાગીરીને આડેહાથ લીધી હતી.
ગોપાલ રાય: દિલ્હીના મંત્રીએ જણાવ્યું કે ભાજપને તેના મજબૂત સંગઠનનું ઘમંડ છે, પણ અમે આ વખતે સત્તા અને સંગઠન બંનેનું ઘમંડ તોડીશું.
ચૈતર વસાવા: ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર કર્યો કે કેસ અને જેલની રમતથી અમે ડરવાના નથી. તેમણે આગામી તાલુકા-જિલ્લા પંચાયત ચૂંટણીમાં શ્રમિકોના હક માટે લડવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગોપાલ ઇટાલિયા: તેમણે કહ્યું કે ભાજપને ડર છે કે જનતાનો આત્મા જાગી જશે, અને હવે એ સમય આવી ગયો છે.
આદિવાસી અને શ્રમિકોના મુદ્દે સરકારને ઘેરી
અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે સરકારે પોતાની સભાઓના આયોજનમાં આદિવાસી સમાજના પૈસાનો દુરૂપયોગ કર્યો છે. હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને હજુ સુધી ન્યાય કે વળતર ન મળવા બદલ પણ સરકારની નીતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. કેજરીવાલે અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં હવે દરેક સમાજ ‘આપ’ના સમર્થનમાં ઉતરી રહ્યો છે.
