ગીર: એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીરના જંગલોમાં વન્યજીવોની પજવણી, ગેરકાયદે ઘૂસણખોરી અને વનસંપત્તિની ચોરી કરનારા અસામાજિક તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની સ્પષ્ટ સૂચના બાદ ગીર પૂર્વ વન વિભાગ (અમરેલી) દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ કામગીરી દરમિયાન જુદી જુદી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કુલ ૭૫ ગુના નોંધીને રૂ. ૧૩.૩૦ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
કાર્યવાહીની વિગતવાર આંકડાકીય સ્થિતિ
વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ ગુનાઓ હેઠળ વસૂલ કરાયેલા દંડની વિગત નીચે મુજબ છે:
| ગુનાનો પ્રકાર | નોંધાયેલા કેસ | લેવાયેલા કડક પગલાં અને દંડની રકમ |
| અનધિકૃત પ્રવેશ (ગેરકાયદે ઘૂસણખોરી) | ૩૮ | રૂ. ૭,૭૬,૪૦૦/- નો દંડ ફટકારાયો |
| વન્યપ્રાણી શિકાર સંબંધિત કેસ | ૦૮ | ૦૪ કેસમાં કોર્ટ કાર્યવાહી શરૂ, ૦૪ કેસમાં રૂ. ૨,૨૦,૦૦૦ દંડ |
| પાસ વગર લાકડાની ગેરકાયદે હેરફેર | ૧૬ | રૂ. ૩,૦૩,૦૦૦/- નો દંડ વસૂલાયો |
| પ્લાસ્ટિક કચરો અને અનધિકૃત પશુ ચરાણ | ૧૭ | રૂ. ૩૨,૫૦૦/- નો દંડ ફટકારાયો |
સોશિયલ મીડિયા રીલ્સ અને લાયન શો કરનારાઓ પર પણ નજર
ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સિંહ કે અન્ય કોઈપણ વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર લાયન શો, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કે શિકાર જેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર સિંહોની પજવણી કરતી કે પ્રતિબંધિત જંગલ વિસ્તારની રીલ્સ, ફોટો કે વિડિયો અપલોડ કરનારાઓ સામે પણ વન વિભાગે ખાસ નજર રાખી છે. જો સોશિયલ મીડિયા પર કોઈ આવી શંકાસ્પદ સામગ્રી જોવા મળે, તો નાગરિકોને તેની જાણ તાત્કાલિક નાયબ વન સંરક્ષકની કચેરી (ગીર-પૂર્વ, અમરેલી) અથવા નજીકની વન વિભાગની કચેરીએ કરવા અપીલ કરવામાં આવી છે.
