મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધોને લઈને મનોરંજન જગતમાં ફરી એકવાર મોટો ધમાકો થયો છે. ૧૯ ઓગસ્ટના રોજ સુનિતા આહુજા તેમના પુત્ર યશવર્ધન આહુજા સાથે બાંદ્રા સ્થિત મુંબઈ કોર્ટમાંથી બહાર નીકળતા કેમેરામાં કેદ થયા હતા. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેના વિવાહિત જીવનમાં તિરાડ અને છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે. આ ઘટનાક્રમ વચ્ચે ગોવિંદાનો એક જૂનો વિવાદાસ્પદ ઈન્ટરવ્યુ ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે પોતાની કુંડળીમાં બીજા લગ્નના યોગ હોવાની વાત કરી હતી.
કોર્ટ પહોંચ્યો વિવાદ, મેનેજરે આપી સ્પષ્ટતા
સુનિતા આહુજા કોર્ટમાંથી બહાર નીકળતા જ વિવિધ અટકળો વહેતી થઈ હતી. જોકે, આ અંગે ગોવિંદાના મેનેજરે મીડિયા સાથેની વાતચીતમાં સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે પુષ્ટિ કરી હતી કે સુનિતાએ ગોવિંદા સામેનો છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો છે. મીડિયા અહેવાલ અનુસાર મેનેજરે જણાવ્યું હતું કે, “ઘરમાં ઝઘડા થતા હોય છે અને બાબતો ઉકેલાઈ પણ જતી હોય છે. પરંતુ જ્યારે મામલો કોર્ટ સુધી પહોંચે છે ત્યારે આખી દુનિયામાં તમાશો બને છે. આ પરિવારનો આંતરિક મામલો હતો જે બેસીને ઉકેલી શકાયો હોત. જો કેસ પાછો જ ખેંચવો હતો તો દાખલ જ શા માટે કર્યો? ગોવિંદા હાલ શાંત છે અને તેઓ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી.”
ગોવિંદાની વાયરલ ઇન્ટરવ્યુ: “મારી કુંડળીમાં બીજા લગ્ન છે”
દંપતી વચ્ચેની આ ખેંચતાણ વચ્ચે ગોવિંદાનો ‘સ્ટારડસ્ટ’ (Stardust) મેગેઝિનને આપેલો એક જૂનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ કહ્યું હતું, “મારી કુંડળીમાં લખેલું છે કે મારા બે લગ્ન થશે. ભવિષ્યમાં કોણ જાણે હું ફરી કોઈના પ્રેમમાં પડી જાઉં અને લગ્ન પણ કરી લઉં. સુનિતાએ આ માટે તૈયાર રહેવું જોઈએ.”

ઈન્ટરવ્યુમાં ગોવિંદાએ સ્વીકાર્યું હતું કે તેઓ નીલમ કોઠારીના પ્રેમમાં હતા પરંતુ સુનિતાને આપેલા વચનને કારણે તેમણે લગ્ન કર્યા. આ ઉપરાંત તેમણે જુહી ચૌલા અને દિવ્યા ભારતીના વખાણ કરતા કહ્યું હતું કે તેમના જેવા આકર્ષણથી બચવું મુશ્કેલ છે.
સુનિતા આહુજાના ગંભીર આરોપો
છેલ્લા કેટલાક મહિનાઓથી બંને વચ્ચેના સંબંધો વણસ્યા છે. સુનિતાએ અગાઉ ગોવિંદા પર તેમની સહ-કલાકાર કોમલ રાની સ્વર્ણકાર સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો અને દગો આપવાનો જાહેરમાં આરોપ લગાવ્યો હતો. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે મીડિયાએ સુનિતા આહુજાને ઘેરી લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના મૌન જાળવી રાખ્યું હતું અને પુત્ર સાથે નીકળી ગયા હતા.
