બેંગલુરુ: TATA IPL 2026 નો પ્રારંભ ૨૮ માર્ચથી થવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલા સોશિયલ મીડિયા પર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક વિચિત્ર અફવા ઉડી રહી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વિરાટ કોહલીએ IPL દરમિયાન ભારત અને લંડન વચ્ચે અવરજવર કરવા માટે RCB મેનેજમેન્ટ પાસે ખાસ ‘પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન’ની માંગણી કરી છે.
વાયરલ પોસ્ટમાં શું હતો દાવો?
વાયરલ થયેલી પોસ્ટ મુજબ, જો બે મેચ વચ્ચે ૩ દિવસથી વધુનો ગેપ હોય, તો વિરાટ લંડન જવા માંગે છે અને આગામી મેચ પહેલા પરત ફરવા માંગે છે. આ માટે તેણે કથિત રીતે ચાર્ટર્ડ પ્લેનની સુવિધા માંગી હતી. જોકે, આ સમાચારમાં કોઈ સત્યતા જણાતી નથી, કારણ કે વિરાટ કોહલીએ પોતે જ આ પોસ્ટને પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરીને અફવા ફેલાવનારાઓની મજાક ઉડાવી છે.
કોહલીનું રિએક્શન: હસી-હસીને લોટપોટ થયો કિંગ
વિરાટ કોહલીએ આ પોસ્ટ શેર કરતા કોઈ લાંબુ લખાણ લખવાને બદલે માત્ર ‘Laughing’ (હસતા હોય તેવા) ઈમોજી મૂક્યા છે. કોહલીના આ રિએક્શન પરથી સ્પષ્ટ થાય છે કે આ અફવા સાવ પાયાવિહોણી છે અને તે પોતે પણ આ અહેવાલ વાંચીને હસી રહ્યો છે. ફેન્સ પણ વિરાટના આ અંદાજને પસંદ કરી રહ્યા છે અને અફવા ફેલાવનારાઓને ટ્રોલ કરી રહ્યા છે.

IPL 2026 નું કાઉન્ટડાઉન શરૂ
નોંધનીય છે કે, IPL ની ૧૯મી સીઝન ૨૮ માર્ચથી શરૂ થઈ રહી છે અને ફાઈનલ ૩૧ મે, ૨૦૨૬ ના રોજ રમાશે. આ વખતે ૧૦ ટીમો વચ્ચે કુલ ૮૪ મેચો રમાવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ની પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમાશે. SRH માં હંગામી ધોરણે ઇશાન કિશન કેપ્ટનશીપ સંભાળશે. બીજી તરફ, ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલા અનેક ખેલાડીઓની ઈજાના સમાચાર પણ ચિંતા વધારી રહ્યા છે.
