૨૨ માર્ચ, ૨૦૨૬નો દિવસ ભારતના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ સીમાચિહ્ન તરીકે અંકિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સરકારના વડા (Head of Government) તરીકે સતત ૮,૯૩૧ દિવસ પૂર્ણ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સાથે જ તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગના ૮,૯૩૦ દિવસના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
અમિત શાહ અને રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “મોદીજીના દાયકાઓની સેવાએ પોતાનો એક યુગ કંડાર્યો છે. પછી તે ગરીબોને તેમના અધિકારો આપવાની વાત હોય કે વૈશ્વિક મંચ પર દેશનું ગૌરવ વધારવાની, મોદી યુગે ભારતને અકલ્પનીય રીતે બદલી નાખ્યું છે.”
રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ વડાપ્રધાનને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પીએમ મોદીનું જીવન રાષ્ટ્ર અને તેના લોકો પ્રત્યેની શુદ્ધ ભક્તિની સતત યાત્રા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાથી લઈને વડાપ્રધાન તરીકેના તેમના સમર્પિત નેતૃત્વ સુધી, આ ૮,૯૩૧ દિવસ ‘રાષ્ટ્ર પ્રથમ’ના શાસનને પ્રતિબિંબિત કરે છે.
હર્ષ સંઘવીનું ભાવુક ટ્વીટ: ‘આ માત્ર રાજકીય નહીં, માનવીય રેકોર્ડ છે’
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ મોદીની આ સફરને ભાવુક રીતે વર્ણવતા કહ્યું કે, “તેમણે પરિવારનો ત્યાગ કર્યો, આરામનો ત્યાગ કર્યો અને તેના બદલે સેવાની પસંદગી કરી. આ માત્ર રાજકીય રેકોર્ડ નથી, પરંતુ એક માનવીય રેકોર્ડ છે. જ્યારે અન્ય લોકો આરામ કરતા હતા, ત્યારે તેઓ કામ કરતા હતા.”
સંઘવીએ પીએમ મોદીની કેટલીક ખાસ સિદ્ધિઓ પણ ગણાવી હતી:
- ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી.
- આઝાદ ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન.
- ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪ એમ સતત ત્રણ લોકસભા જનાદેશ મેળવનાર નેતા.
૮,૯૩૧ દિવસની અવિરત યાત્રા
૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીએ ક્યારેય પાછું વળીને જોયું નથી. ૧૨ વર્ષથી વધુ સમય ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા બાદ ૨૦૧૪માં તેઓ દેશના વડાપ્રધાન બન્યા અને આજે પણ ૨૪ વર્ષથી વધુ સમયથી તેઓ કોઈપણ રજા વગર સતત જનસેવામાં કાર્યરત છે. પવન કુમાર ચામલિંગે સિક્કિમ માટે જે સમર્પણ આપ્યું હતું, તે બેટન આજે પીએમ મોદીએ સંભાળીને ભારતને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.
