Friday, 17 April 2026
  • Home  
  • વડતાલધામના સુપ્રસિદ્ધ ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ : ૨૦૦ વર્ષ જૂની પરંપરા, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ દિવ્ય પ્રસાદ
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડતાલધામના સુપ્રસિદ્ધ ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ : ૨૦૦ વર્ષ જૂની પરંપરા, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ દિવ્ય પ્રસાદ

સિધ્ધાંત મહંત, નડિયાદ: ખેડા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ, જે ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે નિર્મિત મંદિર તરીકે વિશ્વભરમાં જાણીતું છે. ‘ભગવાન શ્રીસ્વામિનારાયણ’નું દીલમાં સ્મરણ થતાં જ વડતાલ ધામનું નામ આજે માનસ પટ પર આવી જ જાય છે. વડતાલધામમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે જાતે અનેક લીલાઓ કરી અનેક હરિભક્તોના દુઃખડાઓ દૂર કર્યા છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે […]

સિધ્ધાંત મહંત, નડિયાદ: ખેડા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ, જે ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે નિર્મિત મંદિર તરીકે વિશ્વભરમાં જાણીતું છે. ‘ભગવાન શ્રીસ્વામિનારાયણ’નું દીલમાં સ્મરણ થતાં જ વડતાલ ધામનું નામ આજે માનસ પટ પર આવી જ જાય છે. વડતાલધામમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે જાતે અનેક લીલાઓ કરી અનેક હરિભક્તોના દુઃખડાઓ દૂર કર્યા છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે મંદિરનું નિર્માણ થયું હતું. જે આજે અનેક હરિભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડતાલધામનું નામ પડે એટલે સૌ લોકોના મુખે બે વસ્તુઓ અચૂક યાદ આવે, એક વડતાલના ‘મરચા’ અને બીજા ‘મગસ’ અને ‘મગસની લાડુડી’નો પ્રસાદ, જે દેશ વિદેશમાં તેની શુદ્ધતા અને પવિત્રતા માટે જાણીતું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં બનેલા આ ‘મગસ’ ની પ્રથા આજે પણ અકબંધ છે અને એ જ સ્વાદમાં હરિભક્તોને મળી રહી છે. આજે પણ અહીંયા ભગવાન સાક્ષાત રૂપે બિરાજમાન છે. ભગવાન શ્રીસ્વામિનારાયણ સહિત દેવોના દિવ્ય તેજ અને આર્શિવાદ ભળતાં ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ સહિત ધરાવવામાં આવતો પ્રસાદ ભક્તોને તૃપ્તતાનો અહેસાસ કરાવે છે. ભગવાન શ્રીહરિને મંગળાઆરતી સમયે આજે પણ ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ સહિતની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવતા તે માત્ર મીઠાઈ ન રહેતા આર્શીવાદરૂપનો પ્રસાદ ગણાવામાં આવે છે. આવા પ્રસાદરૂપી ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ કેવી રીતે તૈયાર થાય છે અને કેટલા સંતો, અને સ્વયંમસેવક સહિત નિષ્ણાત કારીગરો કેવી મહેનત કરી દરેક હરિભકતો અને દૂખિયાડા સુધી આ’ મગસ’ અને ‘મગસ’ની લાડુડી’નો પ્રસાદ પહોચાડાયા છે તેની સંપૂર્ણ વિગતો આવો જાણીએ.

આ પ્રસાદીરૂપે આપવામાં આવતો ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ના પ્રસાદ વિશે જણાવતાં વડતાલ સંસ્થાનના ચેરમેન ડો.સંતવલ્લભદાસ સ્વામી કહે છે કે, ભગવાન શ્રીસ્વામિનારાયણે સ્વયંમ આ વડતાલ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો અને પ્રતિષ્ઠા કરી હતી. તેમજ લક્ષ્મીનારાયણ દેવ અને ભગવાન શ્રીસ્વામિનારાયણના સ્વરૂપમાં શ્રીહરિકૃષ્ણ મહારાજની આ મંદિરમાં પ્રતિષ્ઠા કરાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં દરેક પૂર્ણિમાનો ખુબજ મહિમા છે. આ મહિમા એટલે ભગવાન અને હરિભક્ત વચ્ચેની એક અતૂટ શ્રદ્ધાનો સેતુ છે. જ્યારે ભક્ત અહીંયા તિર્થયાત્રા કરવા આવે છે ત્યારે ભગવાનને ભોગ અર્પણ કરે છે. અને લક્ષ્મીનારાયણ આદિદેવોને જે ભોગ અર્પણ થાય છે અને તેમાંથી તે હરિભક્તને પ્રસાદ મળે તે પ્રસાદના રૂપમાં વડતાલમાં ‘મગશ’ અને ‘મગશની લાડુડી’ની શરૂઆત થઈ, આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રીસ્વામિનારાયણના સમયથી આ પરંપરા ચાલી આવે છે.

વધુમાં તેમણે કહ્યું, ધરતીના કોઈપણ ખુણે જાવ, ગુજરાત, ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, લંડન ગમે ત્યાં જાવ જો વડતાલધામનુ નામ આવે એટલે બે વસ્તુઓ અચૂક યાદ આવે એક વડતાલના ‘મરચા’ અને બીજા વડતાલનો ‘મગશ’ અને ‘મગશની લાડુડી’નો પ્રસાદ છે. ભગવાન શ્રી સ્વામિનારાયણનો વડતાલ ભૂમી પર દિવ્ય પ્રતાપ છે. સાક્ષાત ભગવાન શ્રીસ્વામિનારાયણના દિવ્ય તેજ અને આર્શિવાદ ભળતાં ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ સહિત ધરાવવામાં આવતો પ્રસાદ ભક્તોને તૃપ્તતાનો અહેસાસ કરાવે છે. અહીંયાનો ‘મગસ’ મોઢામાં મુકો એટલે આંખો બંધ કરી અને તમે કહી શકશો કે, આ ‘મગસ’નો પ્રસાદ વડતાલધામનો છે. આ ‘મગસ’ નો જે સ્વાદ છે એટલે ભગવાન શ્રીસ્વામિનારાયણ અને નંદ સંતોની સાધનાનું એક તેજ છે, આશીર્વાદ છે. જે લાખો અનુયાયીઓ અનુભવે છે. દરેક પૂર્ણિમાએ ૫૦ હજારથી વધુ હરિભક્તો દુર દુરથી આવે છે દેવના દર્શન કરે છે. દેવના દરબારમાં આવે છે તો‌ કોઈ ખાલી હાથે આવતું પણ નથી તો ખાલી હાથે જતું પણ નથી.આ પ્રસાદીરૂપે અપાતો ‘મગસ’ કે ‘મગસની લાડુડી’, મોહનથાળ એ માત્ર પ્રસાદ નથી પણ શરીરમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરે છે. આ પ્રસાદ અહીંયા જ તૈયાર થાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, સંતો માટે વપરાતા સિધાની સામગ્રી એ જ સિધાની સામગ્રી યાત્રાળુઓ માટે વપરાય છે. અહીંના પ્રસાદમાં એક ચમત્કાર છે. શુદ્ધ રાશનમાથી આ દરેક વાનગીઓ બનાવાય છે, શુદ્ધ ભાવ સાથે બનાવવામાં આવે છે. જે પણ દૈનિક બને છે તે સૌપ્રથમ મંદિરમાં આદિદેવોને ધરાવવામાં આવે છે.

વિશેષ રૂપે સવારે મંગળાના સમયે ભગવાનને ‘બાળભોગ’ અર્પણ થાય છે તેમાં ‘મગસ’ અને ‘મગસની લાડુડી’, મોહનથાળ સહિત બનાવવામાં આવતી તમામ મીઠાઈઓને ભગવાન શ્રીસ્વામિનારાયણ, દેવોને ધરાવવામાં આવે છે. જે બાદ હરિભક્તો સુધી પહોંચે છે તેથી જ કદાચ ભગવાન શ્રીસ્વામિનારાયણના આર્શિવાદ સાથેનો આ પ્રસાદ આજે પણ ૨૦૦ વર્ષથી એ જ સ્વાદમાં અકબંધ જળવાયેલો છે. આ એક પરંપરા છે અને તે પરંપરા ૨૦૦ વર્ષથી સંપ્રદાયમાં આવતાં આચાર્ય મહારાજ, સંતોએ જાળવી રાખી છે. અહીં પ્રસાદ બનાવવા માટે મશીન કરતા મેઈનપાવર પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. જેથી વ્યક્તિને અતૂટ શ્રદ્ધાની સાથે સાથે રોજીરોટી મળી રહે. વડતાલધામમાં આજે પણ વર્ષે ૫૦ હજારથી વધુના થાળ અનામત છે જે ભાવ સાથે હરિભક્તો ભગવાનને અર્પણ કરે છે અને એ જ ભાવ સાથે ભગવાન શ્રીસ્વામિનારાયણ, આ સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ સંતો, સેવકો પ્રસાદરૂપે ભાથું તૈયાર કરી દરેક હરિભકતોને આર્શીવાદ રૂપે અર્પણ કરે છે.

વડતાલ સંસ્થાનના કોઠારી દેવપ્રકાશસ્વામીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસાદનો આસ્થા અને શ્રદ્ધા સાથેનો મહિમા જોડાયેલો છે. તેમાં પણ ખાસ દ્વારકાથી લઈને રામેશ્વર સુધી વડતાલધામનો પ્રસાદ જગપ્રસિદ્ધ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની ‘મગસની લાડુડી’ અને ‘મગસ’, મહેસુર, મોહનથાળ વિશ્વ પ્રસિદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘મગસની લાડુડી’ અને ‘મગસ’નો પ્રસાદ યાદ કરે છે. ભારતમાં તો આ વડતાલધામનો પ્રસાદ પ્રસિદ્ધ જ છે પણ દેશવિદેશમાંથી આવતા હરિભક્તો પણ આ પ્રસાદને લઈ જાય છે. અને આ પ્રસાદની ખાસિયત એ છે કે, તે ૬ મહિના સુધી રાખી મૂકો તો પણ બગડતો નથી. રોજ થોડો થોડો ખાવ તો પણ એ જ પ્રમાણેનો તેનો‌ સ્વાદ રહે છે જે ભગવાન શ્રીહરિ, વડતાલ ભૂમિનો પ્રતાપ છે. સ્થાનિક સંતો અને હરિભક્તોની મહેનત છે. ૨૦૦ વર્ષથી પ્રસાદની આ પરંપરા ચાલી આવે છે.

કોઠાર વિભાગના સાધુ મુનીવલ્લભદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ પ્રસાદ અત્યંત શુદ્ધતાથી તૈયાર કરવામાં આવે છે:

  • સામગ્રી: ચણાની દાળનો કકરો લોટ, દળેલી ખાંડ, શુદ્ધ ઘી, દૂધ અને ઈલાયચીના મિશ્રણનો ઉપયોગ થાય છે.
  • પદ્ધતિ: સૌપ્રથમ ચણાની દાળ અને ખાંડને અલગ-અલગ ઘંટીમાં દળવામાં આવે છે. ત્યારબાદ લોટને શુદ્ધ ગરમ ઘીમાં ચોક્કસ તાપમાન સુધી ભૂખરો લાલ રંગ થાય ત્યાં સુધી શેકવામાં આવે છે.
  • લાડુડી અને મગસ: શેકેલા મિશ્રણમાં ખાંડ ભેળવીને હાથથી વાળવામાં આવે તો ‘લાડુડી’ તૈયાર થાય છે. જ્યારે તેને પતરાના થાળમાં ઠારી, ચોસલા પાડી તેના પર કાજુ-બદામ ભભરાવવામાં આવે ત્યારે તેને ‘મગસ’ કહેવામાં આવે છે.

વડતાલ મંદિરમાં દૈનિક ૧,૦૦૦ કિલો ‘મગસની લાડુડી’ અને ૨૦૦ કિલો ‘મગસ’ બનાવવામાં આવે છે. આ કાર્ય માટે ૬ નિષ્ણાત કારીગરો અને ૧૫ મદદગાર સેવકો કાર્યરત છે. આશ્ચર્યની વાત એ છે કે, એક કારીગર દૈનિક ૧૫૦ કિલો લાડુડી પોતાના હાથે વાળે છે અને તમામ લાડુડીનો આકાર એકસરખો જ રહે છે. પેકિંગ માટે ત્રણ અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે જેથી શુદ્ધતા જળવાઈ રહે. આ ‘મગસની લાડુડી’ને ત્રણ જેટલા મશીન પર પેકિંગ કરવામાં આવે છે અને એક અલાયદા વ્યવસ્થા મારફતે સીધી એક રૂમમાં કેરેટમા ભરાય છે અને એ બાદ કેરેટ મારફતે આધુનિક તકનીકનો ઉપયોગ કરી પ્રસાદ વિતરણ વિભાગમાં આ ‘મગસની લાડુડી’ને પહોંચાડવામાં આવે છે.

આ  ‘મગસની લાડુડી’ વાળવા ખાસ સ્વયંમસેવક કારીગર હોય છે. જે પોતાના હાથે ગરમાગરમ મગસના ચુરમાને લાડુડીનુ સ્વરૂપ આપે છે. એક અંદાજ પ્રમાણે ૧ વ્યક્તિ દૈનિક ૧૫૦ કીલો  ‘મગસની લાડુડી’ પોતાના હાથે વાળે છે. દોઢસો કિલો વાળે તો પણ તમામ લાડુડીના ગોળાકાર એક જ રહે છે કોઈ નાનામોટી નથી હોતી. પૂનમના દિવસે હરિભક્તોનો ભારે ઘસારો રહે છતા પણ આ પ્રસાદમાં આ દિવસે તો આડા દિવસો દરમિયાન પણ ક્યારે કોઈપણ ચીજવસ્તુઓની બાંધછોડ કરવામાં આવતી નથી માટે જ આ પ્રસાદ શુદ્ધતા અને સ્વાદિષ્ટનુ કેન્દ્ર સ્થાન ગણાય છે.

આજે દેશ-વિદેશના હરિભક્તો જ્યારે પણ વડતાલ આવે છે, ત્યારે આ પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે. પૂનમના દિવસે હજારોની સંખ્યામાં આવતા ભક્તો માટે આ પ્રસાદ શુદ્ધતા અને આસ્થાનું કેન્દ્રસ્થાન બની રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic