વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે વહેલી સવારથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. ખાસ કરીને ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ પર સ્ટોક ખલાસ થઈ જતાં સંચાલકોને પંપ બંધ કરવાની ફરજ પડી છે. પશ્ચિમ એશિયાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને ભૌગોલિક તણાવની સીધી અસર હવે સ્થાનિક ઈંધણના સપ્લાય પર જોવા મળી રહી છે, જેના કારણે વડોદરાના નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાયરા પેટ્રોલ પંપ પર લાગ્યા બેરિકેડ્સ
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરમાં આવેલા નાયરા (Nayara) એનર્જીના પેટ્રોલ પંપ પર ઈંધણનો જથ્થો ખૂટી પડ્યો છે. પૂરતો સ્ટોક ન હોવાને કારણે પંપ પર બેરિકેટીંગ કરી દેવામાં આવ્યું છે અને કર્મચારીઓ ગ્રાહકોને વિલા મોઢે પરત મોકલી રહ્યા છે. ખાનગી પંપના માલિકોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો લઈને આવતી ગાડીઓ સમયસર ન પહોંચતા આ પરિસ્થિતિ સર્જાઈ છે.

સરકારી પંપો પર વાહનોની લાંબી લાઈનો
ખાનગી પંપો બંધ થવાને કારણે હવે તમામ ભાર સરકારી પેટ્રોલ પંપો (IOCL, BPCL, HPCL) પર આવી ગયો છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં આવેલા સરકારી પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ઓફિસ કે કામ અર્થે નીકળેલા નાગરિકોને ઈંધણ માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ગ્રાહકોએ મીડિયા સાથેની વાતચીતમાં રોષ ઠાલવ્યો હતો કે ખાનગી પંપો અચાનક બંધ થતા તેમનો સમય અને કામ બંને બગડી રહ્યા છે.
યુદ્ધની અસર અને ભવિષ્યની ચિંતા
વૈશ્વિક સ્તરે હોર્મુઝની સામુદ્રધુની અને પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના સપ્લાય ચેઈનમાં વિક્ષેપ પડ્યો છે. જો આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઈંધણના ભાવમાં વધારો થવાની સાથે અછત વધુ ઘેરી બનવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો વડોદરાના વહીવટી તંત્ર અને ઓઈલ કંપનીઓ આ સ્થિતિને થાળે પાડવા પ્રયાસ કરી રહી છે, પરંતુ વાહનચાલકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
