નડિયાદ. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ પમ્પિંગ સ્ટેશનથી મેઈન સ્ટેશન સુધી રાઈઝિંગ મેઈન લાઈન નાખવી, પારસ સર્કલથી કપડવંજ રોડ સુધી સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી અને કમળા રોડ કાંસ ઉપર બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. જે અન્વયે નડિયાદમાં મિલ રોડથી કમળા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ 17 જૂન સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. અહીંયા બોક્સ કલ્વર્ટ, રાઈઝિંગ મેઈનની કામગીરી પુરજોશમાં શરૂ કરાઈ છે. આ કામગીરી અહીંયા અંદાજે 6 માસ સુધી ચાલવાની હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી 17 જૂન 2026 સુધી આ માર્ગ પર વાહનવ્યવહાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યું છે.
કયા પ્રોજેક્ટ્સ પર ચાલી રહી છે કામગીરી?
નડિયાદ પાલિકા દ્વારા હાલમાં નીચે મુજબની ત્રણ મહત્વની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે:
- રાઈઝિંગ મેઈન લાઈન: સેન્ટ્રલ પમ્પિંગ સ્ટેશનથી મેઈન સ્ટેશન સુધી નવી લાઈન નાખવાની કામગીરી.
- સ્ટ્રોમ વોટર લાઈન: પારસ સર્કલથી કપડવંજ રોડ સુધી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન.
- બોક્સ કલ્વર્ટ: કમળા રોડ કાંસ ઉપર નવું બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરી.
જાહેરનામું અને પ્રતિબંધિત વિસ્તારો
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ:
- સરદાર ભવન ત્રણ રસ્તાથી મિલ રોડ ત્રણ રસ્તા અને રેલવે સ્ટેશન થઈ કમળા ચોકડી તરફનો રસ્તો બંધ રહેશે.
- સંત અન્ના ચોકડીથી મિલ રોડ થઈ કમળા ચોકડીનો માર્ગ પણ બંધ રહેશે.
- કમળા ચોકડીથી મહિલા આર્ટસ કોલેજ થઈ મિલ રોડ તરફ આવતા વાહનો પર પણ પ્રતિબંધ રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો
જાહેરનામા અનુસાર, સરદાર ભવન ત્રણ રસ્તાથી મિલ રોડ ત્રણ રસ્તા, મજૂરગામ અને રેલવે સ્ટેશન થઈ કમળા ચોકડી તરફ જતો તમામ વાહનવ્યવહાર બંધ રહેશે. આ ઉપરાંત સંત અન્ના ચોકડીથી મિલ રોડ થઈ કમળા ચોકડી તરફ જતો રસ્તો પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો છે. કમળા ચોકડીથી રેલવે ફાટક અને મહિલા આર્ટસ કોલેજ થઈ મિલ રોડ તરફ આવતા વાહનો પર પણ પ્રતિબંધ લાગુ પડશે. મુખ્ય માર્ગો બંધ થવાને કારણે વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. જે મુજબ, સરદાર ભવન ત્રણ રસ્તાથી રેલવે ઓવરબ્રિજ થઈ મિશન રોડ અને ડભાણ ચોકડીથી કમળા રોડ તરફ જઈ શકાશે. તેવી જ રીતે બિલોદરા ચોકડીથી મંજીપુરા ચોકડી તરફના માર્ગનો ઉપયોગ પણ કરી શકાશે. આ કામગીરીને પગલે સ્થાનિકો અને વાહનચાલકોએ વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
આ કામગીરી અંદાજે ૬ માસ સુધી ચાલવાની હોવાથી સ્થાનિક રહીશો અને મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા નડિયાદ વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
