દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા એવી ‘અરવલ્લી’ આજે કુદરતી આપત્તિથી નહીં પણ વહીવટી અને કાયદાકીય વ્યાખ્યાના ફેરફારથી પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારાયેલ તાજેતરના નવા માપદંડ મુજબ, હવે માત્ર એ જ ભૂભાગને ‘અરવલ્લી’ ગણવામાં આવશે જે તેની આસપાસની જમીનથી ઓછામાં ઓછો 100 મીટર ઊંચો હોય. આ નાનકડો લાગતો ફેરફાર કરોડો લોકોના જીવન અને પર્યાવરણ માટે મોટું જોખમ ઊભું કરી શકે તેમ છે.
92% હિસ્સો વ્યાખ્યાની બહાર: શું છે આંકડાકીય ખતરો?
નિષ્ણાતોના મતે, જો 100 મીટરની ઊંચાઈનો માપદંડ અમલી બને છે, તો અરવલ્લીનો 92% હિસ્સો સત્તાવાર વ્યાખ્યામાંથી બહાર થઈ જશે.
સીમિત વિસ્તાર: આ પર્વતમાળા અત્યારે 34 જિલ્લાઓમાં ફેલાયેલી છે, જે ઘટીને માત્ર 15 જિલ્લા પૂરતી સીમિત રહી જશે.
ઉદ્યોગો માટે મોકળું મેદાન: જે 92% વિસ્તાર વ્યાખ્યામાંથી બહાર થશે, તેને ખાણકામ (Mining), બાંધકામ અને ઉદ્યોગો માટે ‘કાયદેસર’ રીતે ખુલ્લો મુકી દેવાશે. પહાડો કાપીને ત્યાં કોંક્રિટના જંગલો ઊભા થવાની પૂરી શક્યતા છે.
દિલ્હી-NCR અને રણનું વિસ્તરણ: વિનાશની એંધાણી
અરવલ્લી માત્ર પથ્થરોનો ઢગલો નથી, પણ દિલ્હી-NCR માટે ‘નેચરલ એર પ્યુરિફાયર’ છે. તે રણની ધૂળ અને પ્રદૂષણને રોકે છે. જો આ પહાડો કપાશે, તો દિલ્હીનો AQI (Air Quality Index) જે અત્યારે પણ જોખમી સ્તરે છે, તે 1200ને પાર કરી શકે છે.
બીજી તરફ, અરવલ્લી એક મજબૂત દીવાલ બનીને થારના રણને પૂર્વ તરફ વધતું અટકાવે છે. પર્વતો હટતા જ રણનું વિસ્તરણ (Desertification) થશે, જેનાથી હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશની ખેતીલાયક જમીન ઉજ્જડ બનશે અને પીવાના પાણીના સ્ત્રોત સુકાઈ જશે.
અરવલ્લી વિશે રસપ્રદ અને મહત્વની માહિતી
પ્રાચીન ધરોહર: તેનું નિર્માણ લગભગ 2.5 કરોડ વર્ષ પહેલાં થયું હતું. તે ભારતની સૌથી જૂની ગેડ પર્વતમાળા (Fold Mountain) છે.
વિસ્તાર: આશરે 700-800 કિમી લાંબી આ માળા ગુજરાતના ગીરથી શરૂ થઈ રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે.
મુખ્ય શિખર: આબુમાં આવેલું ‘ગુરુ શિખર’ (1722 મીટર) તેનું સૌથી ઊંચું શિખર છે.
હાલમાં સોશિયલ મીડિયા પર #SaveAravalli અને #SaveAravaliHills જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓ અને સામાન્ય જનતા સરકારને અપીલ કરી રહી છે કે વિકાસના નામે વિનાશ નોતરતી આ વ્યાખ્યાને બદલવામાં આવે અને અરવલ્લીને સુરક્ષિત રાખવામાં આવે.
