વડોદરા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) અન્વયે મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી (Draft Electoral Roll) પ્રસિદ્ધ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આંકડાકીય વિગતો અને ઓનલાઇન ચકાસણી
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ:
કુલ મતદારો: ૨૬,૮૯,૧૧૭ માંથી હાલ ૨૧,૮૫,૨૦૫ મતદારોનો ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ કરાયો છે.
બાકી મતદારો: અંદાજે ૫,૦૩,૯૧૨ મતદારો કે જેમના ASD (Absent, Shifted, Dead) અને ગણતરી ફોર્મ પરત આવ્યા નથી, તેમની યાદી અલગથી પ્રસિદ્ધ કરાઈ છે.
ચકાસણી: મતદારો પોતાનું નામ voters.eci.gov.in પર જોઈ શકશે. અન્ય યાદીઓ ceo.gujarat.gov.in અથવા જિલ્લાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
મતદાન મથકોમાં વધારો અને નોટિસ પ્રક્રિયા
વડોદરા જિલ્લામાં મતદારોની સુવિધા માટે મતદાન મથકોનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. અગાઉ હયાત મતદાન મથકોની સંખ્યા ૨૫૭૬ હતી, જે હવે વધીને ૨૮૧૮ થઈ છે. જે મતદારોનું મેપિંગ વર્ષ ૨૦૦૨ની યાદી સાથે યોગ્ય રીતે થયું નથી, તેમને આગામી તબક્કામાં નોટિસ આપીને પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરાશે.
મહત્વના તબક્કા અને તારીખો
| તબક્કો | સમયગાળો |
| હક્ક દાવા અને વાંધા અરજી (Claims & Objections) | ૧૯/૧૨/૨૦૨૫ થી ૧૮/૦૧/૨૦૨૬ |
| નોટિસ, સુનાવણી અને ચકાસણી તબક્કો | ૧૮/૧૨/૨૦૨૫ થી ૧૦/૦૨/૨૦૨૬ |
| આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ (Final Roll) | ૧૭/૦૨/૨૦૨૬ (મંગળવાર) |
૪૫ કલેક્શન સેન્ટરો અને ઓનલાઇન સુવિધા
વડોદરા જિલ્લાની તમામ વિધાનસભા વિસ્તારોમાં મતદારોને ફોર્મ-૬ (નવું નામ નોંધાવવા), ફોર્મ-૭ (નામ રદ કરવા) અને ફોર્મ-૮ (સુધારા માટે) મેળવવા કે જમા કરાવવામાં મુશ્કેલી ન પડે તે માટે ૪૫ કલેક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. મતદારો જાહેર રજા સિવાયના દિવસોમાં ઓફિસ સમય દરમિયાન અહીં રૂબરૂ જઈ શકે છે અથવા ઘરે બેઠા ઓનલાઇન પોર્ટલ પર પણ અરજી કરી શકે છે.
