ગુજરાત વિધાનસભા ગૃહમાં ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) વિધેયક-2025’ પસાર કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વિકાસમાં મહિલા શ્રમયોગીઓની ભાગીદારી વધારવાનો અને તેમના હિતોનું રક્ષણ કરવાનો છે. આ સુધારા વિધેયકથી મહિલા શ્રમયોગીઓને તેમની સંમતિથી રાત્રિ પાળીમાં કાયદેસર રીતે કામ કરવાની તક મળશે. શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે આ નિર્ણયને મહિલાઓના સમાનતા, વ્યવસાય સ્વતંત્રતા અને આર્થિક ઉપાર્જનના બંધારણીય અધિકારની દિશામાં એક મહત્ત્વનું પગલું ગણાવ્યું છે.
સુધારા વિધેયકની મુખ્ય જોગવાઈઓ:
- રાત્રિ પાળીમાં કામ: મહિલા શ્રમયોગીઓ હવે તેમની સ્વૈચ્છિક સંમતિથી રાત્રિ પાળીમાં કામ કરી શકશે. આનાથી તેઓ દિવસનો વધુ સમય પોતાના ઘર-પરિવાર માટે ફાળવી શકશે.
- કામના કલાકો: નવી જોગવાઈ અનુસાર, કામદારો રોજના ૧૨ કલાક સુધી કામ કરી શકશે, પરંતુ સપ્તાહના કુલ કામના કલાકો ૪૮ કલાકથી વધુ નહીં હોય.
- વિરામ: દરેક ૬ કલાકના કામ પછી ઓછામાં ઓછા અડધા કલાકનો વિરામ આપવો ફરજિયાત છે.
- સાપ્તાહિક રજા: જે કામદાર અઠવાડિયામાં ૧૨-૧૨ કલાકના લેખે ચાર દિવસ કામ કરે, તેને પાંચમાં અને છઠ્ઠા દિવસે માલિક દ્વારા પગાર સહિત સવેતન રજા આપવાની રહેશે.
- ઓવરટાઇમ: નવી જોગવાઈ મુજબ, કામદારો ત્રણ મહિનાના સમયગાળામાં પૂર્વ મંજૂરી સાથે મહત્તમ ૧૨૫ કલાક સુધીનો ઓવરટાઇમ કરી શકશે.
- સરકારનો અધિકાર: આ કાયદો એટલા જ સમય માટે અમલમાં રહેશે જેટલા સમયની સરકાર મંજૂરી આપશે. સરકારને મંજૂરી પરત લેવાનો અધિકાર પણ રહેશે.
મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, આ સુધારા વિધેયકનો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ કાયદો મહિલાઓની સલામતી, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધિત તમામ શરતોને આધીન રહેશે.
