ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટાણે જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાની હેઠળ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આજે રાજ્ય ચૂંટણી આયોગની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે સત્તાધારી પક્ષ ભાજપ અને પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને વિપક્ષના ઉમેદવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
પોલીસ અને અધિકારીઓ સામે કિન્નાખોરીનો આક્ષેપ
અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે, તેવા કેટલાંક પોલીસ અધિકારીઓ જાણે ભાજપના એજન્ટ હોય તેમ વર્તી રહ્યા છે. ચૂંટણીના પહેલા જ દિવસથી કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ન ભરવા માટે ધમકાવવામાં આવ્યા. એટલું જ નહીં, પોલીસ કર્મચારીઓ કોંગ્રેસના કાર્યાલયો પર જઈને ઉમેદવારોની યાદી મેળવી તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”
તારાપુર અને સુરતના કિસ્સાઓથી ખળભળાટ
કોંગ્રેસે પુરાવા સાથે રજૂઆત કરતા જણાવ્યું કે, તારાપુરમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારના પતિને પોલીસ ઘરેથી પકડી ગઈ હતી અને પત્નીનું ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સુરતમાં પણ આ પ્રકારની દાદાગીરી સામે નામજોગ ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
“ભાજપના નેતાઓ બચાવવા નહીં આવે” – કોંગ્રેસ
અમિત ચાવડાએ સરકારી અધિકારીઓને ચીમકી આપતા કહ્યું કે, “સરકારના અધિકારીઓ ભાજપનો હાથ ન બને. આવનારા સમયમાં કોંગ્રેસ દ્વારા નામજોગ પોલીસ ફરિયાદ કરવામાં આવશે અને ત્યારે કોઈ ભાજપના નેતાઓ તમને બચાવવા નહીં આવે.” તેમણે માંગ કરી છે કે આવતીકાલે ફોર્મ પાછું ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના તમામ ઉમેદવારોને પૂરતું રક્ષણ પૂરું પાડવામાં આવે જેથી ‘ફ્રી એન્ડ ફેર’ ઇલેક્શન થઈ શકે.
