વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહલી તલાવડી ગામે ગત તા. ૧૯/૧૨/૨૦૨૫ ના રોજ વહેલી સવારે એક ખળભળાટ મચાવનારી ઘટના સામે આવી હતી. જંબુસર-પાદરા રોડ પર રહેતા શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના જ ઘરે ખાટલામાં સુતા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ અનડીટેકટ મર્ડર કેસને વડોદરા ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ માત્ર ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે.
પ્રેમ પ્રકરણ અને લગ્નની જીદ બની હત્યાનું કારણ
પોલીસ તપાસમાં જે વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. મૃતક શનાભાઈની સગીર વયની દીકરી અને ગામમાં જ રહેતા રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. અગાઉ રણજીત આ સગીરાને ભગાડી પણ ગયો હતો, જે અંગે પાદરા પોલીસમાં ગુનો નોંધાયો હતો. રણજીત આ સગીરા સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પિતા શનાભાઈ આ સંબંધની આડે આવતા હતા. પિતાને રસ્તામાંથી હટાવવા માટે પ્રેમી અને સગીર દીકરીએ જ ઘૃણાસ્પદ પ્લાન બનાવ્યો હતો.
રાત્રિના અંધકારમાં ખેલાયો મોતનો ખેલ
ઘટનાની રાત્રે, સગીર દીકરીએ રણજીત સાથે ફોન પર વાત કરી પિતા ક્યાં સુતા છે અને ઘરની પરિસ્થિતિ શું છે તેની તમામ માહિતી આપી હતી. રણજીત વાઘેલા તેના મિત્ર ભવ્ય મહેશભાઇ વસાવા સાથે બાઇક પર શનાભાઈના ઘરે પહોંચ્યો હતો. ભવ્ય ઘરની બહાર વોચમાં ઉભો રહ્યો, જ્યારે રણજીતે ઘરમાં પ્રવેશી ખાટલામાં ઘસઘસાટ ઉંઘતા શનાભાઈની છાતીમાં ધારદાર ચપ્પાના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાને કારણે શનાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પોલીસની સતર્કતા અને ‘ઓપરેશન પરાક્રમ’
પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ અને એસપી સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને પાદરા પોલીસની ટીમોએ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી. શંકાના આધારે રણજીત વાઘેલાની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર કાવતરાની કબૂલાત કરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલું ચપ્પુ પણ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ:
૧. રણજીતભાઇ ગજેન્દ્રભાઇ વાઘેલા (ઉ.વ. ૨૪, રહે. મહલી તલાવડી, પાદરા) ૨. ભવ્ય મહેશભાઇ વસાવા (ઉ.વ. ૨૩, રહે. જાસપુર ચોકડી, પાદરા)
