નવી દિલ્હી: રાજધાની દિલ્હીના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા સાઉથ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને અત્યન્ટ ભીષણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બુધવાર (૩ જૂન, ૨૦૨૬) ની સવારે અહીં આવેલી પ્રખ્યાત ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’ (Lemon Green Restaurant) માં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ કાળમુખી આગની ચપેટમાં આવી જવાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૧ લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો દાઝી જવાથી ઘાયલ થયા છે. સવારે આશરે ૯:૪૫ વાગ્યે જ્યારે આ ઘટના બની ત્યારે ચારેય તરફ અફડાતફડી અને ચીસાચીસના દ્રશ્યો સર્જાયા હતા. ફાયર વિભાગને જાણ કરાતા જ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
૮ ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ, ૪૦ લોકોનું દિલધડક રેસ્ક્યુ
દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના જણાવ્યા અનુસાર, આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કાબૂમાં લેવા માટે એકપછી એક એમ અનેક ફાયર એન્જિનોને ઘટનાસ્થળે રવાના કરવા પડ્યા હતા. દિલ્હી પોલીસના ડીસીપી (સાઉથ) અનંત મિત્તલે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, “સ્થાનિક પ્રશાસન અને ફાયર બ્રિગેડની ૮ ગાડીઓની મદદથી ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે ઓલવી દેવામાં આવી છે. રાહત અને બચાવ કામગીરી દરમિયાન રેસ્ટોરન્ટની અંદર ફસાયેલા આશરે ૪૦ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.” જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે.

લાયસન્સ ૬ રૂમનું અને ધમધમતા હતા ૨૫ રૂમ! મૃતકોમાં વિદેશીઓ હોવાનો દાવો
બચાવ કામગીરી જેમ-જેમ આગળ વધી રહી છે, તેમ-તેમ આ હોનારત પાછળ વહીવટી તંત્રની મોટી બેદરકારી અને ગેરકાયદેસર બાંધકામના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ રેસ્ટોરન્ટને ‘બેડ એન્ડ બ્રેકફાસ્ટ’ (BnB) સ્કીમ હેઠળ માત્ર ૬ રૂમ ઓપરેટ કરવાનું સત્તાવાર લાયસન્સ મળ્યું હતું. પરંતુ, તમામ નિયમોને નેવે મૂકીને માલિકો દ્વારા અંદર ગેરકાયદેસર રીતે ૨૫ જેટલા રૂમ ધમધમાવવામાં આવી રહ્યા હતા. આ ગીચતા અને નિયમોના ઉલ્લંઘનને કારણે જ લોકોને બહાર નીકળવાનો મોકો ન મળ્યો અને આટલો મોટો આંકડો નોંધાયો છે. વધુમાં જાણવા મળ્યું છે કે મૃત્યુ પામેલા અને બચેલા લોકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. પૂર્વ ધારાસભ્ય સોમનાથ ભારતીએ દાવો કર્યો છે કે ભોગ બનનારાઓમાં મોટાભાગના સાઉથ આફ્રિકાના નાગરિકો છે.

પીએમ મોદી દ્વારા વળતરની જાહેરાત, રાજકીય નેતાઓમાં શોકની લાગણી
આ ભયાનક દુર્ઘટના પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા ૨ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦,૦૦૦ ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “દિલ્હીના માલવીય નગરમાં આગની ઘટનાને કારણે થયેલી જાનહાનિ અત્યંત દુઃખદ છે. જેમણે પોતાના વહાલા સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ આ ઘટના અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, ડીડીએમએ (DDMA) અને કેટ્સ એમ્બ્યુલન્સ સર્વિસ સહિતની તમામ કટોકટી એજન્સીઓને તાત્કાલિક કામે લગાડી દેવામાં આવી હતી. દિલ્હી સરકાર સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને તમામ અસરગ્રસ્તોને જરૂરી તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. આ સિવાય દિલ્હીના એલજી તરણજીત સંધુ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરીને પીડિતોને સમયસર અને યોગ્ય વળતર આપવા સરકારને અપીલ કરી છે.
