મુંબઈ: બોલિવૂડના દિવાનાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કોકટેલ ૨’ (Cocktail 2) નું ધમાકેદાર ટ્રેલર આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૨માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘કોકટેલ’ની આ ઓફિશિયલ સિક્વલ છે. આ વખતે મેકર્સ પ્રેમ, મિત્રતા અને દિલ તૂટવાના ઈમોશનલ ડ્રામાને એક નવા અંદાજમાં સ્ક્રીન પર લાવ્યા છે. ફિલ્મમાં આજના સમયના લોકપ્રિય કલાકારો શાહિદ કપૂર, કૃતિ સનન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. હોમી અદાજાનિયાના નિર્દેશનમાં બનેલી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મનું શૂટિંગ ઇટાલીના ખૂબ જ સુંદર અને મનોહર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.
શું છે ટ્રેલરની વાર્તા? સંબંધોની મસાલેદાર ખીચડી અને લવ ટ્રાયેન્ગલ
ટ્રેલરની શરૂઆત શાહિદ કપૂરના એક શાનદાર ડાયલોગથી થાય છે, જેમાં તે પોતાની લવ લાઈફ વિશે વાત કરતા હિન્દીમાં કહે છે, “જ્યારે પણ કોઈ સંબંધ નવો હોય છે, ત્યારે તે રોમાંચક હોય છે કારણ કે તે નવો હોય છે. નવા મિત્રો સાથે મજા આવે છે કારણ કે તેમની વાર્તાઓ આપણા માટે નવી અને મનોરંજક હોય છે.” વાર્તા આગળ વધે છે અને એન્ટ્રી થાય છે કુણાલ (શાહિદ કપૂર), એલી (કૃતિ સનન) અને દિયા (રશ્મિકા મંદાના) ની. આ ત્રણેય જિંદગીઓ ઉનાળાના વેકેશન દરમિયાન ઇટાલીમાં એકબીજા સાથે જોડાય છે.
ધીમે-ધીમે તેમની પાકી દોસ્તી એક જટિલ લવ ટ્રાયેન્ગલ (ત્રિકોણીયા પ્રેમ) માં ફેરવાઈ જાય છે. કુણાલનું કનેક્શન દિયા સાથે મજબૂત થતું દેખાય છે, તો બીજી તરફ એલીના દિલમાં પણ કુણાલ માટે પ્રેમની લાગણીઓ જાગે છે. ત્રણેય પાત્રોના સંબંધો કઈ રીતે ગૂંચવાય છે અને કેવી રીતે ઈમોશન્સ પીક પર પહોંચે છે, તેની ઝલક ટ્રેલરમાં બતાવવામાં આવી છે.

જૂની યાદો થઈ તાજી: ‘તુમ હી હો બંધુ’ ની ધમાકેદાર વાપસી
ઇટાલીના આકર્ષક લેન્ડસ્કેપ્સ અને ગ્લેમરસ લુકની સાથે મેકર્સે ફેન્સને એક જોરદાર નોસ્ટાલ્જિક ટચ પણ આપ્યો છે. ઓરિજિનલ ફિલ્મનું ઓલ-ટાઇમ ફેવરિટ ગીત ‘તુમ હી હો બંધુ’ બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે, જેને સાંભળીને પ્રશંસકો જૂની ફિલ્મની યાદોમાં ખોવાઈ ગયા હતા. ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરતા મેડોક ફિલ્મ્સ (Maddock Films) ના નિર્માતાઓએ લખ્યું, “મિત્રોમાંથી પ્રેમીઓ અને પછી અરાજકતા (Chaos)… ધ પરફેક્ટ કોકટેલ પાછી આવી ગઈ છે.”
વાયરલ ‘લેસ્બિયન અફવા’ પર કૃતિ અને રશ્મિકાનો ખુલાસો
ટ્રેલર લોન્ચ ઈવેન્ટ દરમિયાન ફિલ્મની બંને મુખ્ય અભિનેત્રીઓ કૃતિ સનન અને રશ્મિકા મંદાનાએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ‘લેસ્બિયન કપલ’ (સમલૈંગિક સંબંધ) ની અફવાઓ પર આખરે મૌન તોડ્યું હતું અને સ્પષ્ટતા કરી હતી. ફિલ્મની વાર્તામાં આવો કોઈ એન્ગલ નથી. આ બાબતે ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજને પણ કન્ફર્મ કર્યું હતું કે ફિલ્મમાં કોઈ લેસ્બિયન સ્ટોરીલાઈન નથી. જોકે, ડિરેક્ટર હોમી અદાજાનિયાએ હસતા હસતા ઉમેર્યું હતું કે, “બંને વચ્ચેનું બોન્ડિંગ અને કેમેસ્ટ્રી એટલી અદભૂત છે કે મને ભવિષ્યમાં આવી વાર્તા પર ફિલ્મ બનાવવી ચોક્કસ ગમશે!”

સોશિયલ મીડિયા પર ફેન્સ અને યુઝર્સના મિશ્ર પ્રતિભાવો
રિલીઝ થતાની સાથે જ ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. શાહિદ કપૂરના લુકના વખાણ કરતા એક યુઝરે લખ્યું, “શાહિદ કપૂર 45 ની ઉંમરે પણ હજુ 25 વર્ષનો છોકરો હોય તેવો જ હેન્ડસમ લાગે છે.” જ્યારે કૃતિના અભિનયના વખાણ કરતા એક ફેને લખ્યું, “જે લોકો કૃતિની એક્ટિંગ પર શંકા કરતા હતા, તેમને કૃતિએ પોતાના પરફોર્મન્સથી શાંત કરી દીધા છે. તેની પોતાની ગ્રેસ અને ઓરા છે.” વળી, અરિજીત સિંહના ગીત ‘તુજકો’ ને લોકો માસ્ટરપીસ ગણાવી રહ્યા છે અને રશ્મિકાની ક્યુટ સ્માઈલના પણ ભારે વખાણ થઈ રહ્યા છે.
જો કે, કેટલાક નેટીઝન્સે ફિલ્મને લઈને નકારાત્મક ટિપ્પણી પણ કરી છે. એક યુઝરે લખ્યું, “કોકટેલ ૨ નું ટ્રેલર એવરેજ છે. કન્સેપ્ટ જૂનો છે અને એક્ઝિક્યુશન ૨૦૧૫ જેવું લાગે છે. કૃતિ સારી દેખાય છે પણ તે ફિલ્મને બચાવવા માટે પૂરતી નથી. મને માત્ર ‘તુમ હી હો બંધુ’ ગીત જ ગમ્યું.”
ફિલ્મની સ્ટાર કાસ્ટે શું કહ્યું?
શાહિદ કપૂર: “કોકટેલ ૨ એ બિલકુલ ઉનાળાના વેકેશન જેવી ફીલિંગ આપે છે. તેમાં ગાંડપણ છે, લાગણીઓ છે, રમૂજ છે, રોમાન્સ છે અને ઘણું બધું હૃદય છે. આ એવી ફિલ્મ છે જેનો અનુભવ તમે તમારા મિત્રો સાથે કરવા માંગો છો.”
કૃતિ સનન: “મને આ ફિલ્મની જે વાત ગમે છે તે એ છે કે તે ખૂબ જ સ્ટાઇલિશ અને વિઝ્યુઅલી ફ્રેશ છે, છતાં તે આજની મોર્ડન લાઈફ સાથે સુસંગત છે. સંબંધો ગૂંચવાયેલા છે પણ વાસ્તવિક છે. તેનું સંગીત ફિલ્મને એક અલગ જ લેવલ પર લઈ જાય છે.”
રશ્મિકા મંદાના: “આ ફિલ્મ પ્રેમ, દોસ્તી અને જિંદગીના નિર્ણયોની વચ્ચે આવતી તમામ લાગણીઓનું સુંદર મિશ્રણ છે. ટ્રેલર દિયા, એલી અને કુણાલની મસ્તીને બરાબર કેપ્ચર કરે છે. આ ફિલ્મને થિયેટરમાં જઈને મિત્રો અને પરિવાર સાથે અચૂક જુઓ.”
