Friday, 5 June 2026
  • Home  
  • વિજ્ઞાનનો નવો જાદુ : ગુજરાતના ૪ રિજનલ સાયન્સ સેન્ટરો બન્યા જ્ઞાનક્રાંતિના કેન્દ્રો, ૪ વર્ષમાં ૨૫ લાખથી વધુ મુલાકાતીઓ અભિભૂત
- ઉત્તર ગુજરાત - ગુજરાત

વિજ્ઞાનનો નવો જાદુ : ગુજરાતના ૪ રિજનલ સાયન્સ સેન્ટરો બન્યા જ્ઞાનક્રાંતિના કેન્દ્રો, ૪ વર્ષમાં ૨૫ લાખથી વધુ મુલાકાતીઓ અભિભૂત

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ કેન્દ્રની એન.ડી.એ. (NDA) સરકારે રાષ્ટ્રીય ફલક પર સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સુવર્ણ ૧૨ વર્ષોના સમયગાળા દરમિયાન ગુજરાતે પણ વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધીને નવી ઊંચાઈઓ સર કરી છે. રાજ્યમાં વિજ્ઞાનના વ્યાપક પ્રસાર માટે અને સામાન્ય જનમાનસમાં તાર્કિક તેમજ વૈજ્ઞાનિક અભિગમ […]

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત અને દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ હેઠળ કેન્દ્રની એન.ડી.એ. (NDA) સરકારે રાષ્ટ્રીય ફલક પર સફળતાપૂર્વક ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સુવર્ણ ૧૨ વર્ષોના સમયગાળા દરમિયાન ગુજરાતે પણ વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધીને નવી ઊંચાઈઓ સર કરી છે. રાજ્યમાં વિજ્ઞાનના વ્યાપક પ્રસાર માટે અને સામાન્ય જનમાનસમાં તાર્કિક તેમજ વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવાના પવિત્ર આશય સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં ૪ ભવ્ય ‘રિજનલ સાયન્સ સેન્ટરો’ (Regional Science Centres) ની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રોએ માત્ર ચાર વર્ષના ટૂંકા ગાળામાં ૨૫.૬૪ લાખથી વધુ વિજ્ઞાનપ્રેમીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓને આકર્ષીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા રાજ્યના ચાર જુદા-જુદા ભૌગોલિક વિસ્તારોમાં શરૂ કરવામાં આવેલા આ રિજનલ સાયન્સ સેન્ટર્સ આજે મુલાકાતીઓ માટે ‘જીવંત-પ્રયોગશાળા’ (Living Laboratories) સમાન સાબિત થઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના પાટણ, સૌરાષ્ટ્રના રાજકોટ તથા ભાવનગર, અને સરહદી જિલ્લા કચ્છના ભુજ ખાતે કાર્યરત આ કેન્દ્રો ગ્રામીણ અને શહેરી વિસ્તારોના લોકોની જિજ્ઞાસા વૃત્તિને સંતોષી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શન અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાના સક્ષમ નેતૃત્વમાં આ કેન્દ્રો વૈજ્ઞાનિક ચેતનાના સશક્ત કેન્દ્રો તરીકે ઉભરી આવ્યા છે.

ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે ૧ મે, ૨૦૨૨ના રોજ પાટણ ખાતે આ સાયન્સ સેન્ટરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાતના આ શૈક્ષણિક હબમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે અંદાજે ૧૪.૮૬ લાખથી વધુ મુલાકાતીઓએ વિજ્ઞાનના ચમત્કારોને પ્રત્યક્ષ નિહાળ્યા છે.

વિદ્યાર્થીઓનો જોડાણ: આ કેન્દ્રે ૨,૭૦૦થી વધુ શાળાઓને એક તાંતણે સાંકળીને ૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી વિજ્ઞાન શિક્ષણ પહોંચાડ્યું છે.

સર્વસમાવેશક અભિગમ: ‘વિજ્ઞાન ગ્રામ સભા’ જેવી અનોખી પહેલ દ્વારા ગ્રામીણ મહિલાઓ, ખેડૂતો અને દિવ્યાંગો માટે ખાસ સત્રો યોજીને વિજ્ઞાનને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવ્યું છે.

સિદ્ધિઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર: વર્ષ ૨૦૨૫માં આ સેન્ટરને ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ’ મળ્યો છે. અહીં ૨૦૦ કિલોવોટનો વિશાળ સોલાર પ્લાન્ટ સ્થાપિત કરાયો છે.

પ્રવૃત્તિઓનો ગ્રાફ: અત્યાર સુધીમાં ૮૯૦થી વધુ વર્કશોપ, ૫૭૯ વૈજ્ઞાનિક વ્યાખ્યાન-માળા, અને ૧,૯૦૦થી વધુ લાઈવ વિજ્ઞાન-શો યોજાયા છે, જેમાં વિદ્યાર્થીઓને ડીએનએ (DNA), રોબોટિક્સ, હાઈડ્રોપોનિક્સ અને મેટાટ્રોનિક્સના હેન્ડ્સઓન લાઈવ કોર્સ શીખવવામાં આવે છે.

કચ્છના ઐતિહાસિક ભુજીયા ડુંગરની મનોહર તળેટીમાં વસેલા આ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ૨૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ થયું હતું. દેશના છેવાડાના વિસ્તારમાં હોવા છતાં, ૧,૧૦૦થી વધુ શાળાઓના ૧.૩૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ ૨.૫૭ લાખ પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે અહીં માત્ર ભારત જ નહીં, પરંતુ નાઈજેરિયા, ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ અને સાઉદી અરેબિયા જેવા વૈશ્વિક દેશોના પ્રવાસીઓ પણ મુલાકાત લઈ ચૂક્યા છે.

  • મુખ્ય આકર્ષણો: આ સેન્ટરમાં ૬ અત્યાધુનિક ગેલેરીઓ, થ્રી-ડી (3D) મૂવી થિયેટર, મરીન અને સબમરીન સિમ્યુલેટર આવેલા છે.
  • સ્પેસ ઓબ્ઝર્વેટરી: ૨૫ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ અહીં ભારતની સૌથી મોટી ‘પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી’ (Public Space Observatory) નું ઉદ્ઘાટન કરાયું હતું, જ્યાં સ્થાપિત ૨૪ ઈંચના શક્તિશાળી ટેલિસ્કોપ વડે અત્યાર સુધીમાં ૩,૫૦૦થી વધુ નાગરિકોએ અંતરિક્ષના ગ્રહો અને અદ્ભુત રહસ્યોને લાઈવ નિહાળ્યા છે.

૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ શરૂ થયેલું ભાવનગરનું આ સાયન્સ સેન્ટર પૂરા ૨૦ એકરના વિશાળ પરિસરમાં ફેલાયેલું છે અને ૨.૯૦ લાખથી વધુ જિજ્ઞાસુઓની મુલાકાત મેળવી ચૂક્યું છે. અહીં મરીન, ઓટોમોબાઈલ, બાયોલોજી, ઇલેક્ટ્રો-મિકેનિક્સ અને નોબેલ પ્રાઈઝની ખાસ વિષયો પર આધારિત ૫ આકર્ષક ગેલેરીઓ ઉપલબ્ધ છે.

  • નેક્સ્ટ-જેન ગેજેટ્સ: મુલાકાતીઓ માટે અહીં ૯D વર્ચ્યુઅલ રિયાલિટી સિમ્યુલેટર, વિશાળ જીવંત એક્વેરિયમ, પીઝો ઇલેક્ટ્રિક ફ્લોર (જેના પર ચાલવાથી વીજળી ઉત્પન્ન થાય છે) અને ઇન્ટરેક્ટિવ પઝલ ઝોન બનાવવામાં આવ્યા છે.
  • ઇકો-ફ્રેન્ડલી કેમ્પસ: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ને અનુરૂપ STEM અને AI ની તાલીમ આપવાની સાથે આ કેમ્પસ ૧૦૦ kW ના સોલાર પ્લાન્ટ અને ‘ઝીરો વોટર વેસ્ટ’ સિસ્ટમ ધરાવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત એવું આ કેમ્પસ સાચા અર્થમાં ‘ગ્રીન કેમ્પસ’ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

૧૯ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ખુલ્લું મૂકવામાં આવેલું રાજકોટનું આ સાયન્સ સેન્ટર સ્માર્ટ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગના સમન્વય સમાન છે. અત્યાર સુધીમાં ૧.૬૭ લાખ વિદ્યાર્થીઓ સહિત ૩.૬૪ લાખથી વધુ લોકોએ અહીં મુલાકાત લીધી છે. આ સેન્ટરમાં ‘હાઉ સ્ટફ વર્ક્સ’ (વસ્તુઓ કેવી રીતે કામ કરે છે), રોબોટિક્સ, મશીન એન્જિનિયરિંગ, ગ્લાસ એન્ડ સિરામિક, નોબેલ પ્રાઈઝ અને લાઈફ સાયન્સ જેવી ૬ થીમ આધારિત રોમાંચક ગેલેરીઓ આવેલી છે.

  • ભવિષ્યની ટેક્નોલોજી: અહીં બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ ઓગમેન્ટેડ રિયાલિટી (AR), વર્ચ્યુઅલ રિયાલિટી (VR), હોલોગ્રામ ટેક્નોલોજી અને એડવાન્સ સિમ્યુલેશન ઝોન દ્વારા ડ્રોન ટેક્નોલોજી અને STEM વર્કશોપનું લાઈવ પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવે છે.

ગુજરાત સરકારની આ દૂરોગામી પહેલના પરિણામે આવનારી પેઢી વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરશે તેમાં કોઈ શંકા નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic