વોશિંગ્ટન: અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) ના આર્ટેમિસ II મિશનમાં માનવજાત ફરી એકવાર ચંદ્રની નજીક પહોંચી છે. આ મિશન દરમિયાન ઓરિયન (Orion) સ્પેસક્રાફ્ટમાં લાગેલા 32 અત્યાધુનિક કેમેરા દ્વારા પૃથ્વી અને ચંદ્રની એવી તસવીરો કેદ કરવામાં આવી છે જે જોઈને દુનિયા દંગ રહી ગઈ છે. નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ તસવીરો શેર કરતા લખ્યું, “હેલો, ચંદ્ર. અહીં આવીને ખૂબ આનંદ થયો.”

સ્માર્ટફોન અને DSLR નો પ્રથમવાર ઉપયોગ
આ મિશનની સૌથી ખાસ વાત એ છે કે ચાર અવકાશયાત્રીઓ – રીડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને જેરેમી હેન્સને પ્રથમવાર સ્પેસ ફ્લાઈટ માટે મંજૂર થયેલા સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો છે. સ્પેસક્રાફ્ટમાં કુલ 32 કેમેરા છે:
- 15 ફિક્સ કેમેરા: જે સ્પેસક્રાફ્ટ પર જડેલા છે અને લોન્ચિંગથી લઈને સોલર એરે ડિપ્લોયમેન્ટ સુધીની પળો રેકોર્ડ કરે છે.
- 17 હેન્ડહેલ્ડ ડિવાઈસ: જેમાં નિકોન D5, નિકોન Z9 મિરરલેસ કેમેરા, ગોપ્રો અને અત્યાધુનિક સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.
ચંદ્રના અદ્રશ્ય ભાગો અને ‘ઓરોરા લાઈટ’
અવકાશયાત્રીઓએ ચંદ્રની પ્રદક્ષિણા કરતી વખતે તેના એવા ભાગોના ફોટા લીધા છે જે અત્યાર સુધી માનવીય આંખોથી ઓઝલ હતા. આ ઉપરાંત, પૃથ્વીની એવી દુર્લભ તસવીરો પણ લેવામાં આવી છે જેમાં ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધની ‘ઓરોરા લાઈટ’ (Aurora Light) એકસાથે જોવા મળે છે. સ્પેસક્રાફ્ટના ખાસ ઓપ્ટિકલ નેવિગેશન કેમેરા માત્ર તસવીરો જ નથી લેતા, પરંતુ સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં પોતાની સચોટ સ્થિતિ નક્કી કરવામાં પણ મદદ કરે છે.

1968ની યાદો થઈ તાજી
આર્ટેમિસ II ની તસવીરો જોતા વર્ષ 1968 ના એપોલો 8 મિશનની યાદ તાજી થાય છે, જ્યારે બિલ એન્ડર્સે પ્રખ્યાત ‘અર્થરાઈઝ’ (Earthrise) તસવીર કેદ કરી હતી. તે સમયે ફિલ્મ કેમેરાનો ઉપયોગ થયો હતો, જ્યારે આજે અવકાશયાત્રીઓ પાસે 80-400 mm ના પાવરફુલ ટેલિફોટો લેન્સ અને શ્રેષ્ઠ ડિજિટલ ટેકનોલોજી ઉપલબ્ધ છે. જોકે, અત્યંત ઝડપી ગતિએ ઉડતા સ્પેસક્રાફ્ટમાંથી આવી તસવીરો કેદ કરવી આજે પણ એક મોટો એન્જિનિયરિંગ પડકાર છે.
