અમદાવાદ: ગુજરાતી સિનેમા જગત (Dhollywood) માંથી હાલમાં એક ચોંકાવનારા અને વિવાદિત સમાચાર સામે આવ્યા છે. ટીવીના સુપરહિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ જાણીતી એક્ટ્રેસ નેહલ વડોલિયાએ, તાજેતરમાં ચર્ચામાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના લીડ એક્ટર કરણ જોષી પર અત્યંત ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નેહલનો આરોપ હતો કે કરણ જોષી દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેને અત્યંત વાંધાજનક, અભદ્ર અને ગંદી માંગણી કરતા મેસેજ કરવામાં આવ્યા હતા. આ આક્ષેપો બાદ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.
નેહલ વડોલિયાએ સ્ક્રીનશોટ વાઇરલ કર્યા બાદ વીડિયો હટાવ્યો
આ સમગ્ર મામલે એક્ટ્રેસ નેહલ વડોલિયાએ મૌન તોડતા કરણ જોષી સાથેની ચેટના કથિત સ્ક્રીનશોટ અને તમામ વિગતો સાથેનો એક ખાસ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયુવેગે ફેલાઈ ગયો હતો. જોકે, અંદાજિત દોઢ કલાક બાદ એક્ટ્રેસે આ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો હતો, પરંતુ તે પહેલાં જ આ વીડિયો સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ્સ પર વાઇરલ થઈ ચૂક્યો હતો.
“મારું એકાઉન્ટ હેક થયું હતું”: કરણ જોષીનો મોટો ખુલાસો
પોતાના પર લાગેલા ગંભીર આક્ષેપો બાદ એક્ટર કરણ જોષીએ સત્તાવાર વીડિયો જાહેર કરીને સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટતા કરી છે. કરણ જોષીએ વીડિયોમાં જણાવ્યું કે, “પહેલા તો આ ઘટના થઈ એ પાંચ મહિના જૂની એટલે કે જાન્યુઆરી મહિનાની છે. ત્યારે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું હતું. એકાઉન્ટ હેક થયા બાદ મારા એકાઉન્ટમાંથી મારા મિત્રો સહિત ઘણા લોકોને અયોગ્ય મેસેજ, કામ અને પૈસાની માંગણી કરતા મેસેજ ગયા હતા. આ સંબંધિત (નેહલ વડોલિયા)ને પણ મેસેજ ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે હું મારી ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, જેથી મને એકાઉન્ટની એક્ટિવિટીની ખબર નહોતી. મિત્રોએ જાણ કરતા મેં તાત્કાલિક સોશિયલ મીડિયા પર એકાઉન્ટ હેક થયાની સત્તાવાર જાહેરાત પણ કરી દીધી હતી.”
“મત બનાવતા પહેલા હકીકત જાણી લેવી જોઈએ”
કરણ જોષીએ વધુમાં ઉમેર્યું કે, નેહલ વડોલિયાએ પણ જે-તે સમયે સ્વીકાર્યું હતું કે આ સમગ્ર મામલામાં તેની વ્યક્તિગત કોઈ સંડોવણી નહોતી અને હેકરે આ મેસેજ કર્યા હતા. કરણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “તે સમયે જ આ મામલે ચોખવટ થઈ ગઈ હોવા છતાં, હવે ફરીથી પાંચ મહિના જૂની ઘટનાને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે, જે હકીકત નથી. સત્ય કોઈ દિવસ બદલાતું નથી. લોકોએ કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલા સત્ય જાણી લેવું જોઈએ.”
આ વીડિયો ક્લેરિફિકેશન બાદ સોશિયલ મીડિયા યુઝર્સ અને ઇન્ડસ્ટ્રીના લોકો પણ હવે આ મામલાની બંને બાજુની હકીકતને સમજી રહ્યા છે.
