નવી દિલ્હી / ગુરુગ્રામ: ભારતીય એવિએશન સેક્ટરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતો કિસ્સો સામે આવ્યો છે. પહૂકેત (થાઈલેન્ડ) થી નવી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના કેપ્ટન (પાયલટ ઈન કમાન્ડ) નો રિપોર્ટ ગાંજા (Marijuana) અને ઊંઘની દવાઓના નશા માટે પોઝિટિવ આવ્યા બાદ એર ઈન્ડિયાએ કંપનીના તમામ પાયલટો માટે ફરજિયાત ‘ડોપ ટેસ્ટ’ (Dope Test / ડ્રગ સ્ક્રીનિંગ) નો આદેશ જારી કર્યો છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે હવામાં ૩૦૦ ફીટ નીચે ખાબકેલી એરબસ A320neo વિમાનનું દિલ્હીમાં ઈમરજન્સી અને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ એરલાઈન દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઘટના શું હતી? ૩૦૦ ફીટ નીચે ખાબક્યું હતું વિમાન
ગયા અઠવાડિયે પહૂકેતથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ૧૩૭ મુસાફરો અને ૮ ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ફ્લાઈટ દરમિયાન અચાનક વિમાને ૩૦૦ ફીટની ઊંચાઈ ગુમાવી દીધી હતી (Altitude Drop), જેના કારણે વિમાનમાં ભારે આંચકા અનુભવાયા હતા. આ અચાનક થયેલી દુર્ઘટનામાં ૧૩ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે, પાયલટે વિમાન પર કાબૂ મેળવીને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટના બાદ એર ઈન્ડિયાના ફ્લાઈટ સેફ્ટી વિભાગે તપાસ શરૂ કરી હતી, જેમાં મુખ્ય પાયલટે ઉડાન ભરતા પહેલા ગાંજો પીધો હોવાનું અને ઊંઘની ગોળીઓ લીધી હોવાનું મેડિકલ ટેસ્ટમાં પૂરવાર થયું હતું.
એર ઈન્ડિયાનો કડક આદેશ: ગુરુગ્રામ એકેડેમી ખાતે થશે સ્ક્રિનિંગ
આ ચોંકાવનારા રિપોર્ટ બાદ એર ઈન્ડિયા મેનેજમેન્ટે તાત્કાલિક અસરથી તમામ જૂથના પાયલટો માટે ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગનો આદેશ આપ્યો છે. કંપની દ્વારા તમામ પાયલટોને મોકલવામાં આવેલા સત્તાવાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે: “એર ઈન્ડિયા DGCA ની તમામ નિયમનકારી આવશ્યકતાઓનું સંપૂર્ણ પાલન કરે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે આનાથી પણ આગળ વધવું જરૂરી છે. તેથી અમે તમામ પાયલટોનું એવા પદાર્થો કે દવાઓ માટે સંપૂર્ણ સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લીધો છે જે પ્રવર્તમાન નિયમો હેઠળ સખત મનાઈ ધરાવે છે.”
આ ટેસ્ટની શરૂઆત આજથી જ કરી દેવામાં આવી છે. ટેસ્ટિંગ ગુરુગ્રામ એકેડેમી ખાતે તેમજ એર ઈન્ડિયાના ફ્લાઈટ બ્રીફિંગ સેન્ટર્સ અને ઓફિસોમાં ફ્લાઈટ પૂર્ણ થયા બાદ (Post-flight) કરવામાં આવશે.
ભારતમા પાયલટો માટે દારૂ અને ડ્રગ્સ ટેસ્ટના નિયમો શું છે?
ભારતીય નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) અનુસાર પાયલટ અને ક્રૂ મેમ્બર્સ માટે આકરા નિયમો અમલમાં છે:
| નિયમ / ટેસ્ટ | પ્રક્રિયા અને સમયગાળો |
| એરક્રાફ્ટ રૂલ ૨૪ (1937) | ફ્લાઈટ શરૂ થવાના ૧૨ કલાક પહેલા કે ફ્લાઈટ દરમિયાન દારૂ, શામક (Sedatives), નાર્કોટિક્સ કે સ્ટીમ્યુલન્ટ દવાઓનું સેવન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. |
| બ્રેથ-એનાલાઈઝર ટેસ્ટ (Breath-Analyser) | ફ્લાઈટ ટેક-ઓફ કરે તે પહેલાં પાયલટ અને કેબિન ક્રૂ માટે અલ્કોહોલ માપવા માટે આ ટેસ્ટ ફરજિયાત છે. |
| પોઝિટિવ આવ્યા પછીની કાર્યવાહી | જો કોઈ પાયલટ ટેસ્ટમાં નિષ્ફળ જાય કે ટેસ્ટ આપવાનું ટાળે તો તેને તાત્કાલિક ડ્યુટી પરથી હટાવી દેવાય છે અને ૨૪ કલાકમાં DGCA ને રિપોર્ટ કરવાનો રહે છે. |
એર ઈન્ડિયાએ પાયલટોને યાદ અપાવ્યું હતું કે દાયકાઓથી કંપની એવિએશન સેક્ટરની ફ્લેગબેરર રહી છે અને મુસાફરોનો વિશ્વાસ જાળવી રાખવો એ તેમની પ્રાથમિકતા છે.
