વડોદરા શહેર પોલીસે ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા માટે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (S.O.G.) દ્વારા ડ્રગ્સના ગુનાઓ વારંવાર આચરતા બે રિઢા ઇસમો વિરુદ્ધ PIT (PREVENTION OF ILLICIT TRAFFIC) NDPS ACT-૧૯૮૮ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સૂચના અને માર્ગદર્શન મુજબ, જે ઇસમો જામીન મુક્ત થયા બાદ પણ કેફી અને મન:પ્રભાવી દ્રવ્યોના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિ ચાલુ રાખે છે, તેમની વિરુદ્ધ આ કડક પગલું લેવામાં આવ્યું છે.
કાયદેસરની કાર્યવાહી: PIT Act હેઠળ બે વર્ષ સુધી જેલની જોગવાઈ
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. રાતડાની ટીમે આ બંને ઇસમોના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લીધો હતો. આ આરોપીઓ વિરુદ્ધ PIT (Prevention of Illicit Traffic) ACT-૧૯૮૮ની કલમ ૩(૧) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જે મુજબ આરોપીને વધુમાં વધુ બે વર્ષ સુધી જેલમાં રાખવાની જોગવાઈ છે. આ કાયદો ગેરકાયદેસર ડ્રગ્સના વેપારને અટકાવવા માટે ખાસ જોગવાઈ ધરાવે છે. વર્ષ ૨૦૨૫ દરમિયાન, વડોદરા S.O.G. પોલીસ દ્વારા કેફી ઔષધો અને મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલ કુલ ૦૬ ઇસમો વિરુદ્ધ PIT એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.
અટકાયત કરાયેલ આરોપીઓ અને ગુનાહિત ઇતિહાસ
એસ.ઓ.જી. દ્વારા અટકાયત કરાયેલા બે રિઢા આરોપીઓ અને તેમના વિરુદ્ધ નોંધાયેલા NDPSના ગંભીર ગુનાઓની વિગતો નીચે મુજબ છે:
૧. અબ્દુલ ઇબ્રાહીમ પટેલ (રહેવાસી: શકીલાપાર્ક સોસાયટી, તાંદલજા રોડ, વડોદરા)
ગુનાહિત ઇતિહાસ: આ આરોપી વિરુદ્ધ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમો હેઠળ કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં ૫ કિલો ૧૫૨ ગ્રામ ગાંજો, ૭૩૪ ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો (કિ.રૂ. ૨૨,૦૨,૦૦૦/-) અને ૫૦૦ ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો (કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/-) ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ થઈ હતી.
૨. પરગટસિંગ ઉર્ફે પગ્ગા અજાયબસિંગ ભરત (સરદાર) (રહેવાસી: અક્ષર રેસીડન્સી, રણોલી, વડોદરા; મૂળ રહેવાસી: પંજાબ)
ગુનાહિત ઇતિહાસ: આ આરોપી વિરુદ્ધ જવાહરનગર અને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPSની કલમો હેઠળ બે ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ૩૯ ગ્રામ ૭૧૦ મિલી ગ્રામ અને ૨ ગ્રામ ૬૪૦ મિલી ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
જેલ ખાતે રવાનગી
વડોદરા શહેર પોલીસે “ટોપ-ટુ બોટમ તથા બોટમ ટુ ટોપ” તપાસ કરીને આ આરોપીઓ વિરુદ્ધ PIT NDPS ACT હેઠળનું પ્રપોઝલ NDPS સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે મોકલ્યું હતું. NDPS સેલના હુકમ બાદ, બંને આરોપીઓની અટકાયત કરીને ખાસ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે:
અબ્દુલ ઇબ્રાહીમ પટેલ: તા. ૧૩/૧૧/૨૦૨૫ના રોજ અટકાયત કરી ખાસ જેલ ભુજ ખાતે મોકલી આપવામાં આવ્યો.
પરગટસિંગ ઉર્ફે પગ્ગા: તા. ૧૩/૧૧/૨૦૨૫ના રોજ અટકાયત કરી ખાસ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો.
આ કાર્યવાહી વડોદરા શહેરમાં નશાના દૂષણને જડમૂળમાંથી દૂર કરવાના પોલીસના સંકલ્પને દર્શાવે છે.
