વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ના વિઝન અને ‘વાઇબ્રન્ટ ગુજરાત’ના સફળ પ્રયોગથી પ્રેરિત થઈને, વડોદરાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોષીએ એક નવી પહેલ શરૂ કરી છે: ‘વાઇબ્રન્ટ ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ૨૦૨૫’. આ પહેલ અંતર્ગત, આગામી નવરાત્રીના તહેવાર દરમિયાન રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને નેપાળ સહિત ૭ વિવિધ દેશોના ૨૫ જેટલા પ્રતિનિધિઓ સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બનશે.
આપ સૌ ને આ વાત જણાવતા ખુબજ આનંદ થાય છે કે કલા નગરી વડોદરા ના ગરબા અને કલા સંસ્કૃતિ ને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે એક અનોખું આયોજન “વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ” જેમાં આપણા આમંત્રણ ને માન આપી ૭ થી વધારે દેશ ના પ્રતિનિધિ વડોદરા પધારી વડોદરા ના ગરબા નિહાળશે તથા વિવિધ મહત્ત્વ ના… pic.twitter.com/arpNuR1dwS— Dr. Hemang Joshi (MP Vadodara) (@drhemangjoshimp) September 18, 2025
ડૉ. હેમાંગ જોષી હાલ બ્રાઝિલમાં BRICS સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ વિદેશ પ્રવાસ દરમિયાન તેમણે રશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, માલ્દીવ્સ, પેરુ, ઉઝબેકિસ્તાન, સ્લોવાકિયા, તાન્ઝાનિયા, શ્રીલંકા અને નેપાળ સહિત ૯ દેશોના પ્રતિનિધિઓને નવરાત્રીમાં વડોદરાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણને માન આપીને ૨૫ મહાનુભાવો નવરાત્રીના ગરબાનો આનંદ માણવા માટે આવી રહ્યા છે. આ પ્રતિનિધિમંડળમાં સાંસદો, સરકારી અધિકારીઓ, યુવા નેતાઓ, આંતરરાષ્ટ્રીય મીડિયાના સભ્યો અને કલાકારોનો સમાવેશ થાય છે.
કલા, શિક્ષણ અને વ્યાપારનું આદાન-પ્રદાન:
વડોદરાની મુલાકાત દરમિયાન, આ વિદેશી મહેમાનો માત્ર ગરબા જ નહીં, પરંતુ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક વારસાનો પણ અનુભવ કરશે. તેઓ શહેરના વિવિધ સ્થળોની મુલાકાત લેશે, જેમાં નીચેના મુખ્ય સ્થાનોનો સમાવેશ થાય છે:
- અમૂલ ડેરી પ્લાન્ટ: ભારતના સહકારી ક્ષેત્રના મોડેલનો પરિચય.
- લક્ષ્મી વિલાસ પેલેસ: વડોદરાના ભવ્ય ઇતિહાસ અને સ્થાપત્યની ઝલક.
- ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય અને એમ.એસ. યુનિવર્સિટી: ભારતની શૈક્ષણિક ક્ષમતા અને સંશોધન પ્રવૃત્તિઓનો પરિચય.
- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા: ભારતીય શિક્ષણ પ્રણાલીની પાયાની સમજ.
- પારુલ યુનિવર્સિટી: આધુનિક શિક્ષણ અને ઇનોવેશનનો પરિચય.
- VCCI તથા FGIના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત: વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સહકારની તકોની શોધખોળ.
આ પહેલનો ઉદ્દેશ્ય વડોદરાની કલા અને સંસ્કૃતિને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનો છે. આ મુલાકાતથી કલા, શિક્ષણ અને વ્યાપાર ક્ષેત્રે નવા આદાન-પ્રદાનની તકો ઊભી થશે અને શહેરને વિશ્વ સ્તરે વધુ નામના મળશે.
