અમદાવાદ: અમદાવાદ શહેરમાં હૃદય હચમચાવી દેતી વધુ એક હિટ એન્ડ રનની ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. શુક્રવારે બપોરે ૨:૧૫ વાગ્યાની આસપાસ શાસ્ત્રીનગર રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે બોપલની પ્રતિષ્ઠિત ડીપીએસ (DPS) સ્કૂલની બસે ઈલેક્ટ્રિક મોપેડ પર જઈ રહેલા એક નિર્દોષ યુવકને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના પાછળના તોતિંગ વ્હીલ (પૈડાં) યુવકના માથા પર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
બાળકોથી ભરેલી બસ મૂકીને ડ્રાઈવર-કંડક્ટર ફરાર
અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે ગંભીર પરિસ્થિતિ જોઈને બોપલ DPS સ્કૂલ બસના ડ્રાઇવર અને કંડકટર બંને માનવતા ભૂલ્યા હતા. તેઓ બસમાં બેઠેલા માસૂમ શાળાના બાળકો અને બસને ધોળા દિવસે રસ્તા વચોવચ રામભરોસે મૂકીને ત્યાંથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો અને વાહનચાલકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને રસ્તા પર ભારે ચકચાર મચી ગઈ હતી.
કેવી રીતે સર્જાયો ભયાનક અકસ્માત? સીસીટીવીમાં કેદ થઈ લાઇવ ઘટના
આ સમગ્ર મામલે અકસ્માતના રૂવાડા ઉભા કરી દે તેવા લાઈવ સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજની વિગતો અને પોલીસ તપાસ અનુસાર, પલ્લવ ચાર રસ્તા પાસે રોડના વળાંક પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કોઈ કામગીરી ચાલી રહી હતી, જેના કારણે રસ્તા પર બેરિકેડિંગ કરવામાં આવ્યા હતા. બેરિકેડિંગ હોવાને લીધે DPS સ્કૂલની બસે ડાબી તરફ વળવા માટે મોટો ટર્ન (વળાંક) લેવો પડ્યો હતો. આ જ સમયે પાછળથી ઈલેક્ટ્રિક એક્ટિવા સ્કૂટર પર આવી રહેલો યુવક ફૂલ સ્પીડમાં વળાંક લેવા જતા બસના પાછળના ભાગે અથડાયો હતો. બસ ટર્ન લઈ રહી હોવાથી સ્કૂટર ચાલક યુવક સંતુલન ગુમાવીને સીધો બસના પાછળના વ્હીલ નીચે આવી ગયો હતો. બસનું વ્હીલ યુવકના માથા પર ફરી વળતા તેને બચવાની એક પણ તક મળી ન હતી.
મૃતક યુવકની ઓળખ થઈ, પરિવારમાં માતમ
ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરીને તપાસ હાથ ધરી ત્યારે મૃતક યુવકની ઓળખ ૧૯ થી ૨૦ વર્ષીય ‘યુવરાજ’ તરીકે થઈ છે. ટ્રાફિક પોલીસે યુવરાજના પરિવારજનોને આ કાળજું કંપાવી દેનારા સમાચાર આપતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસે લાશનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. બાળકો ભરેલી બસ બિનવારસી મૂકીને ભાગી ગયેલા બેજવાબદાર બસ ડ્રાઈવર વિરુદ્ધ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
